નવી દિલ્હીઃ દેશના ત્રણ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ચાર રાજ્યમાં રાજ્યપાલની બદલી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી મળેલી જાણકારી મુજબ બીજેપીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનને બિહારના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ રહેલા સત્યપાલ મલિકને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બનાવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં પહેલા એનએન વોહરા રાજ્યપાલ હતા, હાલ અહીં રાજ્યપાલ શાસન છે.
સિક્કિમના રાજ્યપાલ તરીકે ગંગા પ્રસાદ, હરિયાણાના રાજયપાલ તરીકે સત્યદેવ નારાયણ આર્ય, ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે બેબી રાની મૌર્ય, મેઘાલયના રાજ્યપાલ તરીકે તથાગત રોય, ત્રિપુરાના રાજ્યપાલ કપ્તાન સિંહ સોલંકીની વરણી કરવામાં આવી છે.
ગંગા પ્રસાદ પહેલા મેઘાલયના રાજ્યપાલ હતા, હવે સિક્કિમના રાજ્યપાલ બનાવાયા છે. તથાગત રોય પહેલા ત્રિપુરાના રાજ્યપાલ હતા હવે તેમને મેઘાલયના રાજ્યપાલ બનાવાયા છે. કપ્તાન સિંહ સોલંકી હરિયાણાના રાજ્યપાલ હતા, તેમને હવે ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા છે.