ચંદીગઢઃ પાકિસ્તાનના સેના પ્રમુખને ગળે મળ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને વિપક્ષની ટીકાઓનો સામનો કરી રહેલા ક્રિકેટરમાંથી નેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, જરૂર પડશે તો તે સણસણતો જવાબ આપવા પણ તૈયાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયેલા એકમાત્ર ભારતીય સિદ્ધુએ કહ્યું, “જ્યારે પણ જવાબ આપવો પડશે ત્યારે હું આપીશ અને હું તમામને કહીશ કે આ એક સણસણતો જવાબ હશે.”


સિદ્ધુએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવાને ગળે લગાવવાના પૂછવામાં આવેલા સવાલ પર જવાબ આપતાં રવિવારે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેને ખોટો ઠરાવ્યો હતો. સિંહે કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનના આર્મી ચીફને ગળે લગાવાની વાત છે તો તેઓ આના પક્ષમાં નથી. સિદ્ધુએ પાકિસ્તાનના સેના પ્રમુખ સાથે સ્નેહ દર્શાવીને ખોટું કર્યું છે.

ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પાકિસ્તાન ગયેલા ભારતના પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ રવિવારે વાઘા અટારી બોર્ડરથી સ્વદેશ પરત ફર્યો ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો. આ બોર્ડર પર સ્થાનિક લોકોએ સિદ્ધુને પાકિસ્તાન જતા રહેવાનું કહીને વિરોધ કર્યો હતો.

ભારત પરત ફરતા પહેલા સિદ્ધુ લાહોરની એક દુકાનમાંથી શૂઝની ખરીદી કરી હતી. ઘાટા લીલા રંગના સૂટ અને પાઘડી પહેરીને સિદ્ધુએ ખરીદી કરી હતી.