નવી દિલ્હીઃ જી-20 સંમેલનમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા કહ્યું કે, દુનિયા આજે ભારતને સંભાવનાઓને ‘ગેટવે’ તરીકે જુએ છે.   ફરીવાર સરકાર બનવાને સત્યની જીત ગણાવતા વડાપ્રધાને કહ્યું કે, ભારતે  આ પ્રધાનસેવક પર વિશ્વાસ વ્યક્ત કર્યો. એ વાત સત્ય છે કે 1971 બાદ દેશે પ્રથમવાર એક સરકારને પ્રો-ઇન્કમ્બેન્સી જનાદેશ આપ્યો છે. 61 કરોડ લોકોએ ભીષણ ગરમીમાં મતદાન કર્યું. ચીન સિવાય દુનિયાના કોઇ પણ દેશની વસ્તીથી વધુ મતદાતાઓની આ સંખ્યા છે.

વડાપ્રધાને કહ્યુ કે ડિઝિટલ લિટરેસી ઝડપથી વધી રહી છે. ડિઝિટલ ટ્રાજેક્શન રેકોર્ડ સ્તર પર છે. ઇનોવેશન અને ઇન્ક્યૂબેશન માટે એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ રહ્યું છે. આવનારા પાંચ વર્ષમાં 50 હજાર સ્ટાર્ટટઅપની ઇકો સિસ્ટમ ભારતને બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ ભારત અને જાપાનની મિત્રતાને વધુ મજબૂત કરવાની તક મળી છે. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ અને જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશિરો મોરીજીએ સાથે મળીને આપણા સંબંધોને ગ્લોબલ પાર્ટનરશીપનું રૂપ આપ્યુ હતું.

વડાપ્રધાન મોદીના સંબોધન બાદ જય શ્રી રામના નારા લાગ્યા હતા. વડાપ્રધાને જાપાનમાં વસેલા ભારતીય લોકોને કહ્યું કે, તમે અહી બેસીને અમારા કામનું સારુ આંકલન કરો છો. ઘણીવાર સ્ટેડિયમમાં બેસીને મેચ જુઓ છો તો ખ્યાલ આવે છે કે ભૂલ ક્યાં થઇ છે, આઉટ કેવી રીતે થયો. એટલા માટે તમે દૂર બેસીને મેચ જુઓ છો તો તમને વધુ ખ્યાલ આવે છે. મોદીએ પોતાની જીતમાં પ્રવાસી ભારતીયોના યોગદાન માટે આભાર માન્યો હતો. માનવ ઇતિહાસમાં આટલી વિશાળ લોકતાંત્રિક ચૂંટણી નથી થઇ. ભવિષ્યમાં પણ આ રેકોર્ડ કોઇ તોડી શકશે તો એ ભારત જ છે.