Arunachal Helicopter Crash: ભારતીય સેનાનું એટેક હેલિકોપ્ટર 'રુદ્ર' અરુણાચલ પ્રદેશમાં ચીનને અડીને આવેલા LAC પર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં બે પાઈલટ સહિત કુલ 5 લોકો સવાર હતા. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના 3 લોકો માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ભારતીય સેનાએ આ શોધ અને બચાવ અભિયાનમાં ત્રણ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.
રૂટિન-સોર્ટી માટે ભરી હતી ઉડાન
ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, આર્મી એવિએશન કોર્પ્સનું ALH-WSI હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના મિગિંગમાં સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું હતું. મિગિંગ એ અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં ખૂબ જ દૂરસ્થ વિસ્તાર છે, જે તુટિંગની દક્ષિણે સ્થિત છે. આ હેલિકોપ્ટર આસામના લેકાબલી મિલિટરી સ્ટેશનથી નિયમિત ઉડાન ભરી હતી.
રુદ્ર એ ભારતીય સેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ઉત્પાદિત એટેક હેલિકોપ્ટર છે. તે ધ્રુવ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) નું વેપન સિસ્ટમ ઇન્ટીગ્રેટેડ (WSI) Mk-IV વેરિઅન્ટ છે. ANI દ્વારા સંરક્ષણ પીઆરઓને ટાંકવામાં આવ્યું હતું કે, "આજે અપર સિયાંગ જિલ્લામાં તુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ નજીક એક સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
આર્મી અને એરફોર્સ શોધ કરી રહી છે
દીમાપુર (નાગાલેન્ડ)માં હાજર આર્મીના 3 કોર અનુસાર, હેલિકોપ્ટરને શોધવા માટે આર્મી અને એરફોર્સની સંયુક્ત ટીમ તૈનાત કરવામાં આવી છે. આસામના તેજપુરમાં સંરક્ષણ મંત્રાલયના પ્રાદેશિક પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ અમરિન્દર વાલિયાના જણાવ્યા અનુસાર, એક MI-17 અને ALH (એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર)ને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા છે.
'રુદ્ર' એટેક રોલ ધરાવતું હેલિકોપ્ટર હતું
નોંધનીય છે કે સ્વદેશી ALH હેલિકોપ્ટરમાં હથિયાર સ્થાપિત કર્યા બાદ તેને ALH-WSI એટલે કે વેપન સિસ્ટમ ઈન્ટિગ્રેટેડ નામ આપવામાં આવ્યું છે. સેનાએ તેને 'રુદ્ર' નામ પણ આપ્યું છે અને તે એક કોમ્બેટ એટલે કે એટેક રોલ હેલિકોપ્ટર છે, જેમાં બે પાયલટ સવાર છે. જો કે સેનાએ સત્તાવાર રીતે એ નથી જણાવ્યું કે બંને પાઇલટ સિવાય હેલિકોપ્ટરમાં 3 લોકો હાજર હતા.
દુર્ઘટના બાદ એક સ્થાનિક વીડિયો સામે આવ્યો છે, જેમાં દૂરના પહાડ પરના ગાઢ જંગલમાં ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. જો કે સેના દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી.
ઓક્ટોબરમાં બીજી ક્રેશની ઘટના
આ મહિને 8 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશના તવાંગમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સવારે 10:00 વાગ્યાની આસપાસ નિયમિત ફ્લાઇટ દરમિયાન તે ક્રેશ થયું હતું. ચિતા હેલિકોપ્ટરમાં બે પાયલટ હતા. દુર્ઘટના પછી, બંનેને નજીકની સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘાયલ પાયલોટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.