મહારાષ્ટ્રમાં 2 થી 5 દિવસમાં નવી સરકાર બનશેઃ સંજય રાઉત

સંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રના લોકોની ઈચ્છા શિવસેનાનો મુખ્યમંત્રી બને તેવી છે. ઉદ્ધવ ઠાકરે નેતૃત્વ કરે તેવી રાજ્યની ભાવના છે.

Continues below advertisement
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, જલદી સારા સમાચાર મળશે. કોંગ્રેસ-એનસીપી અને શિવસેના સાથે મળીને 2-5 દિવસમાં સરકાર બનાવશે. જ્યારે ત્રણ પાર્ટી ભેગી મળીને સરકાર બનાવતી હોય ત્યારે પ્રક્રિયા ઘણી લાંબી હોય છે, જે આજે શરૂ થઈ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના લોકોની ઈચ્છા શિવસેનાનો મુખ્યમંત્રી બને તેવી છે. ઉદ્ધવ ઠાકરે નેતૃત્વ કરે તેવી રાજ્યની ભાવના છે. એનસીપી પ્રમુખ શરદ પવાર પ્રધાનમંત્રીને મળવા અંગે તેમણે કહ્યું, પીએમને મળવામાં કોઈ આશ્વર્ય નથી. અમે પણ તેમને મળતા રહીએ છીએ. સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્ર માટે એક કોમન મિનિમમ પ્રોગ્રામ જલદી આવી જશે. ભાજપ સાથે ફરી સરકાર બનાવવા અંગે તેમણે કહ્યું, આ અંગે ચર્ચા હવે બંધ થઈ ચુકી છે.
એનસીપી નેતા શરદ પવારના ઘર પર થયેલી મીટિંગ બાદ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાને લઇ વાત થઈ છે. રાજ્યને એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. અમારી વચ્ચે સકારાત્મક વાત થઈ છે. રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવવાની જરૂર છે. આ દરમિયાન એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, રાજ્યમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વગર સ્થિર સરકાર બની શકે નહીં. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવું જરૂરી છે.
મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસે 44 સીટ પર જીત મેળવી છે. ત્રણેય મળીને આસાનીથી સરકાર બનાવી શકે છે. રાજ્યમાં બહુમત માટેના 145ના આંકડા સામે ત્રણેય પાર્ટીઓના મળીને 154 ધારાસભ્યો છે. 105 સીટ જીતીને રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યું હતું.
Continues below advertisement
Sponsored Links by Taboola