નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશમાં કોરોનાના વધતાં મામલાને લઈ લોકડાઉન જાહેર કરાયું છે. જે મુજબ પહેલાથી નિર્ધારીત કાર્યક્રમ માટે એમઆરઓની મંજૂરી લઈને 20 લોકો સાથે કોવિડ નિયમોનું પાલન કરીને કાર્યક્રમ યોજી શકાય છે. રાજ્યમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમની મંજૂરી નથી.


આ દરમિયાન શ્રીકાકુલમ જિલ્લામાં બે પાદરીએ મળીને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરીને 400-500 લોકોને એકત્ર કરીને ધાર્મિક કાર્યક્રમ કરતાં હતા. આ દરમિયાન અચાનક પોલીસે છાપો માર્યો અને પાદરીઓ પર મામલો નોંધીને તેમને દંડ ફટકાર્યો હતો.


સીતમમાપેટ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર હૈમાવતી મુજબ,આ વિસ્તારમાં લોકો ઘરમાં રહે તે માટે રવિવારે જનતા કરફ્યૂ જાહેર કરાયો હતો. તેમ છતાં ઈતમાનગુડ પુટિકાવલસા ગામમાં બે પાદરીએ મળીને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યુ છે. જેમાં કોવિડ નિયમોને નેવે મૂકીને 400-500 લોકોને બોલાવાયા હતા. આ લોકોને કેમ બોલાવાયા હતા તેની પણ ખબર નહોતી. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડાવાયા હતા.


ઈન્સ્પેક્ટરે કહ્યુ કે, જ્યારે અમે ટીમ સાથે ત્યાં પહોંચ્યા તો દંગ રહી ગય. બે પાદરીએ મળીને આટલા બધા લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. જો આમાંથી કોઈને પણ સંક્રમણ હોય તો તેનો ચેપ સરળતાથી બીજા લોકોને લાગી શકે છે. જે બાદ બંને પાદરીઓને 50-50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમની સામે મામલો નોંધવાનો આદેશ અપાયો હતો.


આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે આંધ્રપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,98,023 છે. જ્યારે 14,00,754 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી 10,328 લોકોના મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,08,921 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4157 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,95,955 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 71 લાખ 57 હજાર 795

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 43 લાખ 50 હજાર 816

  • કુલ એક્ટિવ કેસ - 24 લાખ 95 હજાર 591

  • કુલ મોત - 3 લાખ 11 હજાર 591