કેંદ્ર સરકારે ગુજરાતને મ્યૂકરમાઈકોસીસની સારવાર માટે જરૂરી 4 હજાર 640 જેટલા ઈંજેક્શન ફાળવ્યા છે. રેમડેસિવિરની જેમ હવે મ્યુકરમાઈકોસીસના ઈંજેક્શનના ઓર્ડર, સપ્લાય અને વિતરણ પર કેંદ્ર સરકારે નિયંત્રણ મેળવ્યું છે. કેંદ્ર સરકારે માઈલાન લેબ થકી ઉત્પાદિત 19 હજાર 420 ઈંજેક્શનની ફાળવણી તમામ રાજ્યો વચ્ચે કરી છે. જેમાં સૌથી વધુ ગુજરાતને 4 હજાર 440 ઈંજેક્શન, ત્યારબાદ મહારાષ્ટ્રને 4 હજાર 60, આંધ્રપ્રદેશને 1 હજાર 840, રાજસ્થાનને 1 હજાર 430 અને ઉત્તર પ્રદેશને 1 હજાર 260 ઈંજેક્શન ફાળવ્યા છે. આ ઈંજેક્શનની કિંમત 6 હજાર 247 રૂપિયા છે. ગુજરાતમાં અત્યાર મ્યુકરમાઈકોસીસના સૌથી વધુ કેસ હોવાથી વધુ ઈંજેક્શનની ફાળવણી કરવામાં આવી છે.


બીજી બાજુ સરકારના સતત બદલાતા નિર્ણયના કારણે મ્યુકરમાઇકોસિસના દર્દીઓના પરિજનોને એમફોટેરિસીન ઇન્જેક્શન માટે ખાવા પડી રહ્યા છે ધક્કા. આવા જ એક લાચાર વ્યક્તિ છે અમદાવાદના બાબુભાઈ પટેલ. ઘાટલોડિયામાં રહેતા બાબુભાઈના 40 વર્ષના ભત્રીજાને કોરોના થયો હતો. તે સમયે ઓક્સિજનનું સ્તર નીચે જતાં રેમડેસિવિર અને સ્ટીરોઈડ આપવામાં આવ્યું હતું. તેના કારણે કોરોનાને તો તેમણે હરાવી દીધો. પરંતુ ઘરે આવ્યા બાદ ભત્રીજા બન્યા બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસનો શિકાર. તેમની સારવાર માટે જરૂરી એમફોટેરિસીન ઇન્જેક્શન મેળવવા માટે બાબુભાઈએ ઘણા પ્રયાસ કર્યા. પરંતુ તે નહીં મળતા તેમણે મહારાષ્ટ્રથી 35 ઇંજેક્શન મેળવ્યા. એલજી હોસ્પિટલમાં સરકારે ઇન્જેક્શન આપવાની વ્યવસ્થા કરી છે. છતાં તેમને પુરતા ઈન્જેક્શન મળતા નથી.


દેશમાં કોરોના મહામારીની સાથે હવે બ્લેક ફંગસે કેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. ત્યારે દેશના દરેક રાજ્યોને બ્લેક ફંગસની દવા અને ખાસ કરીને ઇન્જેક્શનનો ખુબ જરૂર પડી રહી છે, પરંતુ પુરતા પ્રમાણમાં ઇન્જેક્શન અને દવા ના હોવાથી કેટલાય દર્દીઓના મોત થઇ રહ્યાં છે. આ મોતનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રીએ મોટી જાહેરાત કરી છે.


કેન્દ્રીય મંત્રી મનુસખ માંડવિયાએ બ્લેગ ફંગસ માટેની સારવાર માટેના એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનને લઇને મોટી જાહેરાત કરતા આનો મોટો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે. મંત્રી માંડવિયાએ કહ્યું કે આગામી મહિના સુધીમાં દેશમાં એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના લગભગ 15 લાખ શીશીઓ ઉપલબ્ધ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં બ્લેક ફંગસનો જોરદાર કેર ચાલુ છે, અને કેન્દ્ર સરકાર આની સામે નિપટવા માટે સતત મોટા મોટા નિર્ણયો લઇ રહી છે. આ બધાની વચ્ચે મંત્રી માંડવિયાએ કહ્યું કે, બ્લેક ફંગસ દવાના ઉત્પાદનની ક્ષમતાને ત્રણ લાખથી વધારીને હવે પ્રતિ દિવસ સાત લાખ કરી દેવામાં આવી છે. બ્લેક ફંગસની દવાની શીશીઓનુ મોટા પ્રમાણમાં આયાત કરવાનો ફેંસલો લીધો છે.