નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, કેરળ અને કર્ણાટક સહિત 11 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં તોફાનની આશંકા પણ વ્યક્ત કરી છે. કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્વિમ, ઉત્તર-પશ્વિમ અરબ સાગર, દક્ષિણ-પશ્વિમ બંગાળની ખાડી ઉપરાંત આંદમાન સાગરથી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના પણ છે. જેની અસર ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં વધારે જોવા મળી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મધ્યપ્રદેશના હરદા, બૈતૂલ, હોશંગાબાદ, રાયસેણ, વિદિશા અને સિહોર સહિત 30 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 950 મિલીમીટર સામાન્ય વરસાદ નોંધાયો છે.

રવિવારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ચંબા જિલ્લામાં ભારંગલા નાળા પાસે હદસાર અને ભારમૌરને જોડનારો પુલ ધરાશાયી થઈ ગયો હતો. જેથી મણિમહેશ યાત્રા અટકાવી દેવામાં આવી છે. આ સાથે જ શિમલા જિલ્લામાં ભારે વરસાદ બાદ બઢાવ ગામમાં નેશનલ હાઈવે-5 બંધ કરી દેવાયો છે.

આંધ્રપ્રદેશમાં વરસાદ સામાન્ય રહેશે. જ્યારે ઉત્તર તટીય વિસ્તારના વિશાખાપટ્ટન, શ્રીકાકુલમ, પૂર્વ ગોદાવરી અને પશ્વિમ ગોદાવરી જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. આ સાથે જ આગામી પાંચ દિવસ તેલંગાણા, આંધ્ર પ્રદેશના કાંઠાના વિસ્તાર, રાયલસીમા અને પુડ્ડુચેરીના યનમ શહેરમાં ભારે પવન ફુંકાવાની સંભાવનાઓ છે.