નવી દિલ્હીઃ દેશમાં મંદી અને આર્થિક સંકટને લઈને એક બાજુ ચર્ચા ચાલે છે તો બીજી બાજુ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જાણકારી આપી છે કે, ભારતમાં એવા 9 લોકો છે જેનો પગાર 100 કરોડ રૂપિયાથી વધારે છે. ઇનકમ ટેક્સ વિભાગના આંકડા અનુસાર દેશમાં નાણાંકીય વર્ષ 2017-18માં 100 કરોડ રૂપિયાથી વધારે પગાર મેળવનારા 9 લોકો છે.


ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર 5,00,000 લોકો વાર્ષિક એક કરોડ રૂપિયાથી વધારે પગાર મેળવે છે. જોકે કોઈપણ વ્યક્તિ દેશમાં 500 કરોડ રૂપિયાના પગારના સ્લેબમાં નથી. ઇનકમ ટેક્સ વિભાગના આ આંકડા ઇનકમ ટેક્સ રિટર્નના આધારે જાહેર કરવામાં આવ્યા છે.



ઇનકમ ટેક્સ વિભાગ અનુસાર 2.9 કરોડ પગારદાર ટેક્સપેયર્સમાંથી 81.5 લાખ લોકોનો પગાર 5.5 લાખ રૂપિયાથી લઈને 9.5 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે 22 લાખથી વધારે લોકો 10-15 લાખના પગાર સ્લેબમાં આવે છે.

ઉપરાંત 15-20 લાખના સ્લેબમાં સાત લાખ લોકો છે. 20થી 25 લાખના સ્લેબમાં 3.8 લાખ લોકો છે, 25થી 50 લાખના સ્લેબમાં પાંચ લાખ લોકો છે, 50 લાખથી એક કરોડના સ્લેબમાં 1.2 લાખ લોકો છે. જ્યારે એક કરોડથી વધારે પગાર મેળવનારા લોકોની સંખ્યા 49,128 છે, જેમાંથી માત્ર નવ લોકોનો પગાર 100 કરોડ રૂપિયાથી વધારે છે.