ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય અને આવક વધે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રકારની યોજના ચલાવે છે. જેનો લાભ લઈ ખેડૂતો આવક વધારી રહ્યા છે. આજના યુગમાં મહિલાઓ પણ ખેતી કરતી થઈ છે. આવી જ એક મહત્વકાંક્ષી યોજનાનો લાભ લઈને મશરૂમ લેડી' તરીકે ઓળખાતા વ્યારાના અંજનાબેન ગાવિતે મશરૂમની ખેતીમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.


 ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની ધરાવે છે ડિગ્રી


અંજનાબેન ગાવિત પરંપરાગત ખેડૂત નથી. તેઓ સામાન્ય ખેડુતોથી તદ્દન અલગ છે.  અંજનાબેને ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેમણે ઘણાં વર્ષો સુધી સિવિલ એન્જિનિયર તરીકે પણ કામ કર્યું, પરંતુ આ સમય દરમિયાન તેમને એક લેખ મળ્યો. આ લેખમાં  ઓયસ્ટર મશરૂમના ઉછેર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.


જે બાદ અંજનાબેન ગાવિતે નોકરી છોડીને મશરૂમની ખેતી કરવાનું નક્કી કર્યું. તેમ છતાં તેને ખેતી વિશે વધુ જાણકારી નહોતી, તેથી તેમણે કૃષિ વિજ્ઞાનકેન્દ્રથી પ્રથમ તો મશરૂમની ખેતીની શિક્ષા લીધી અને પછી વર્ષ 2017થી આ કામ શરૂ કર્યું. ખેતી કરવામાં તેમણેવધુ સમય લીધો નથી, પરંતુ આ ટૂંકા ગાળામાં તે દેશની કેટલીક સફળ મહિલા ખેડુતોમાંની એક બની ગઈ છે.


તાલીમ બાદ પાર્કિંગ સ્પેસમાં કરી શરૂઆત


તાલીમ લીધા પછી અંજનાબેને વાંસ અને લીલા શેડનો ઉપયોગ કરીને  પાર્કિંગ સ્પેસમાં જ મશરૂમની ખેતી શરૂ કરી. તેમને મશરૂમના બીજ સહિતની અન્ય આવશ્યક દવાઓ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો ટેકો મળતો રહ્યો. સમય સમય પર વૈજ્ઞાનિકો પણ  અંજનાબેનને મદદ કરવા આવતા હતા. અંજનાબેને શરૂઆતમાં આ કામમાં વધારે મૂડી રોકાણ કર્યું ન હતું. તેમણે માત્ર 11 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા અને પહેલીવાર બમ્પર પાક થયો હતો. આ નાના ઓરડામાંથી તેને 140 કિલો મશરૂમ્સ મળી આવ્યા, જેની કિંમત 28 હજાર રૂપિયા છે. સારી લણણીએ અંજનાબેનને મોટા પાયે મશરૂમની ખેતી કરવાની પ્રેરણા આપી હતી.


ત્યારબાદ 18 મહિનામાં અંજનાબેને મશરૂમના ઘરનું કદ 80 ફુટ લાંબું અને 23 ફુટ પહોળું કર્યું.  જેમ જેમ કદ વધતું ગયું તેમ તેમ રોકાણમાં પણ વધારો થયો. તેમણે વર્ષ 2019-20માં 1 લાખ 72 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપ્રિલ 2019 થી ડિસેમ્બર 2019 સુધીમાં 250 કિલો સ્પોનનું વાવેતર થયું છે. આ વખતે કમાણી પણ વધી અને તે 3 લાખ 8 હજાર 500 રૂપિયા સુધી પહોંચી જ્યારે ખર્ચ માત્ર 88 હજાર 350 રૂપિયા થયો હતો.


સુરત, મહારાષ્ટ્રમાં પણ વેચે છે પ્રોડક્ટ


અંજનાબેને તેમના ઉત્પાદનોનું કુટુંબ અને સબંધીઓ દ્વારા માર્કેટિંગ શરૂ કર્યું અને ટેલિફોનિક ઓર્ડર પણ લીધા.  હાલ તેઓ સુરત અને મહારાષ્ટ્રમાં પણ તેમની પ્રોડક્ટનું વેચાણ કરે છે.  ભારત સરકારે વિસ્તારની મહિલાઓ અને ખેડુતો માટે પ્રેરણારૂપ બની ગયેલા અંજનાબેનને સન્માનિત પણ કર્યા છે.