Chandra Shekhar Azad Pistol Facts: ભારત તેની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ આ આઝાદી સરળતાથી પ્રાપ્ત થઇ નથી. અંગ્રેજોની ગુલામીની સાંકળો તોડવા માટે અનેક ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યા છે ત્યારબાદ દેશ આઝાદ થયો છે. ચંદ્રશેખર આઝાદ દેશના આ મહાન સપૂતોમાંથી એક હતા. બ્રિટિશ સરકાર ચંદ્રશેખર આઝાદથી ડરતી હતી. ચંદ્રશેખર આઝાદે અંગ્રેજોના હાથમાં ક્યારેય નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આ સંકલ્પ જીવનભર નિભાવ્યો હતો.


આ માટે તેમણે પોતાનો જીવ પણ આપી દીધો, પરંતુ અંગ્રેજોના હાથમાં આવ્યા નહોતા. જ્યાં સુધી ચંદ્રશેખર આઝાદ જીવતા રહ્યા ત્યાં સુધી તેમણે અંગ્રેજોને શાંતિથી બેસવા દીધા નહોતા. અંગ્રેજો ચંદ્રશેખર આઝાદથી જ નહી પરંતુ તેમની પિસ્ટલથી પણ  પરેશાન હતા.


ચંદ્રશેખર આઝાદની પિસ્ટલ ‘Bamtul Bukhara’


કોલ્ટ કંપનીની આ પિસ્ટલને આઝાદજી ગર્વથી ‘Bamtul Bukhara’ કહેતા હતા. આ પિસ્ટલમાંથી ફાયરિંગ કર્યા બાદ ધુમાડો નીકળતો નહોતો. તેથી જ અંગ્રેજો જાણી શકતા ન હતા કે ગોળીબાર ક્યાંથી કરવામાં આવી રહ્યો છે. આઝાદ ઝાડની પાછળ છુપાઈને ખૂબ જ સરળતાથી ગોળીઓ ચલાવતા હતા અને અંગ્રેજોને પણ ખબર નહોતી પડતી કે ફાયરિંગ ક્યાંથી કરવામાં આવી રહ્યું છે. આ પોઈન્ટ 32 બોરની પિસ્ટલ હેમરલેસ સેમી ઓટોમેટિક હતી. આ પિસ્ટલમાં આઠ બુલેટનું મેગઝીન લાગતુ હતુ અને તેની મારક ક્ષમતા 25 થી 30 યાર્ડની હતી.


અંગ્રેજો ક્યારેય જીવતા પકડી શક્યા નહોતા


27 ફેબ્રુઆરી 1931ના રોજ પોલીસે ચંદ્રશેખર આઝાદને એક પાર્કમાં ઘેરી લીધા હતા. ચંદ્રશેખર તેમના સંગઠનના સાથી સાથે બેઠક કરી રહ્યા હતા. દરમિયાન તેઓ અંગ્રેજો સાથે એકલા હાથે લડ્યા હતા. દરમિયાન તેની જમણી જાંઘ પર ગોળી વાગી હતી, જેના કારણે તેનું બચવું મુશ્કેલ બની ગયું હતું. જ્યારે તેમની પિસ્ટલમાં એક ગોળી રહી ગઈ હતી, ત્યારે તેમણે ક્યારેય જીવતા ના પકડવાની પ્રતિજ્ઞાનું પાલન કરીને પોતાને ગોળી મારી દીધી હતી.


અંગ્રેજ અધિકારી પિસ્ટલ લઈને ઈંગ્લેન્ડ ગયા


ચંદ્રશેખર આઝાદે અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં અંતિમ શ્વાસ લીધા. તેમની શહીદી પછી પાર્કનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પાર્ક રાખવામાં આવ્યું. તેમની શહીદી પછી એક પોલીસ અધિકારી સર જોન નોટ બાવર તેમની પિસ્ટલ પોતાની સાથે ઈંગ્લેન્ડ લઈ ગયા હતા.  ચંદ્રશેખર આઝાદની પિસ્ટલ લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા લાખો પ્રયત્નો પછી 1972 માં ભારતને પરત કરવામાં આવી હતી.


હવે આ પિસ્ટલ અલ્હાબાદ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે


આ પિસ્ટલ 27 ફેબ્રુઆરી 1973ના રોજ લખનઉના મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી, પરંતુ અલ્હાબાદ મ્યુઝિયમ બન્યા બાદ આ પિસ્ટલ ત્યાં લઈ જવામાં આવી હતી. આ પિસ્ટલ સેન્ટ્રલ હોલની મધ્યમાં અલ્હાબાદ મ્યુઝિયમમાં બુલેટપ્રૂફ કાચના બોક્સમાં રાખવામાં આવી છે. મ્યુઝિયમમાં આવનાર દરેક વ્યક્તિનું ધ્યાન શહીદ ચંદ્ર શેખર આઝાદની પિસ્ટલ તરફ જાય છે.