74માં સ્વતંત્રતા દિવસ: દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આજે સ્વતંત્રતા દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. ત્યાર બાદ પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોરોનાની વેક્સીનનું દેશમાં એક સાથે ત્રણ જગ્યાએ કામ ચાલી રહ્યું છે. કોરોનાની વેક્સીનનું કામ ઝડપી ચાલી રહ્યું છે.


પીએમ નરેન્દ્ર મોદી કહ્યું હતું કે, કોરોના મહામારીના આ સયમમાં પોતાના જીવનની ચિંતા કર્યાં વગર આપણાં દેશના ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મચારી, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી, સેવા કર્મી સહિત અનેક લોકો 24 કલાક સતત કામ કરી રહ્યાં છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

કોરોનાની મહામારી વચ્ચે 130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો છે. આત્મનિર્ભર ભારત આજે 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે. આ સપનાને સંકલ્પના બદલાતા જોઈ રહ્યા છીએ, જ્યારે પણ હું આત્મનિર્ભરની વાત કરું છું તો ઘણાં લોકોએ સાંભળ્યું હશે કે, હવે 21 વર્ષના થઈ ગયા છે. હવે આત્મનિર્ભર બની જાવ. 20-21 વર્ષમાં પરિવાર તેમના બાળકોને આત્મનિર્ભર બનાવવાની અપેક્ષા કરે છે.

આજે આઝાદીના આટલા વર્ષ બાદ ભારત માટે પણ આત્મનિર્ભર બનવું જરૂરી છે જે પરિવાર માટે જરૂરી છે, તે દેશ માટે પણ જરૂરી છે. ભારત આ સપનાને પૂરું પણ કરશે. મને આ દેશના સામર્થ્ય, પ્રતિભા પર ગર્વ છે.

કોરોના સંકટમાં આપણે જોયું કે, દુનિયામાં કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. આ દેશમાં N-95 માસ્ક નહોતા બનતા, PPE કીટ નહોતી બનતી, વેન્ટીલેટર નહોતા બનતા, હવે બનવા લાગ્યા છે. આત્મનિર્ભર ભારત દુનિયાની કેવી રીતે મદદ કરી શકે છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. ઘણું બધુ થયું છે.

આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ. વોકલ ફોર લોકલ. સ્થાનિક ઉત્પાદનોનું ગૌરવ કરવું જોઈએ. આવું નહીં કરીએ તો તેમની હિંમત કેવી રીતે વધશે. આપણે મળીને સંકલ્પ લેવો જોઈએ કે 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ તો વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવીશું.