નવી દિલ્લીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં 145 હોવિત્ઝર તોપને લઇને પાંચ હજાર કરોડ રૂપિયાના કરાર  થવાની આશા છે. 1980માં બોફોર્સ કૌભાંડ બાદ આ પ્રથમવાર ભારત તોપનો કરાર કરશે.  સૂત્રોના કહેવા પ્રમાણે, સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે એમ777 તોપની ફાઇલને મંજૂરી આપી દીધી હતી. કરારની મંજૂરી માટે સુરક્ષા મામલાની કેબિનેટ બેઠક પાસે મોકલતા અગાઉ નાણા મંત્રાલય પાસેથી મંજૂરી લેવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે, કરારમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે સૈન્યની બખ્તરબંદ ટૂકડીઓ માટે ઇઝરાયલ પાસેથી 4900 રેડિયો સેટ ખરીદવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.


સંરક્ષણ મંત્રાલયે તોપ જલદી મેળવવા માટેની ડેડલાઇન અગાઉથી જ ઓછી કરી દીધી છે. ભારત આ તોપની ખરીદી માટે અમેરિકન સરકારને વિનંતી કરી હતી. જેના પર અમેરિકા રાજી થયુ હતું અને  જૂનમાં કરારની શરતોને મંજૂર રાખવામાં આવી હતી. ઓફસેટ નીતિ અનુસાર ભારત 25 તોપ તૈયાર લેશે જ્યારે બાકીની તોપ બીએઇ સિસ્ટમ મહિન્દ્રા સાથે ભાગીદારી હેઠળ ભારતમાં તૈયાર કરવામાં આવશે.

ભારત ચીની સરહદ પાસેના અરુણાચલ પ્રદેશ અને લદાખમાં આ ચીનને ગોઠવશે. આ  તોપની રેન્જ 25 કિલોમીટરની છે. હેલિકોપ્ટર મારફતે આ તોપને લઇ જઇ શકાય છે.