કોલકત્તાઃ જાધવપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પોલેન્ડના એક વિદ્યાર્થીને વિદેશી નાગરિક પ્રાદેશિક નોંધણી કચેરીએ દેશ છોડવા જવાનું કહેવામાં આવ્યું છે. યુનિવર્સિટીના સૂત્રો રવિવારે જણાવ્યુ કે, કોલકત્તામાં સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં કાઢવામાં આવેલી રેલીમાં વિદ્યાર્થીએ ભાગ લીધા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના અગાઉ વિશ્વ ભારતીય યુનિવર્સિટીની બાંગ્લાદેશી વિદ્યાર્થીનીને એફઆરઆરઓને આ રીતે નિર્દેશ જાહેર કર્યા હતા જ્યારે  વિદ્યાર્થીનીએ પરિસરમાં સીએએ વિરોધી પ્રદર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

જાધવપુર યુનિવર્સિટીના એક સૂત્રએ કહ્યું કે, તુલનાત્મક સાહિતના વિદ્યાર્થી પોલેન્ડના કામિલ સિએદસિંસ્કીને એફઆરઆરઓએ પોતાની કોલકત્તા ઓફિસમાં આવવા કહ્યુ હતું અને તે 22 ફેબ્રુઆરીએ ગયો પણ હતો. સિએદસિંસ્કીને એફઆરઆરઓએ એક નોટિસ આપી હતી જેમાં તેને બે સપ્તાહની અંદર દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે. સ્ટુડન્ટ વિઝા પર ભારતમાં રહેતા વિદેશી નાગરિકને કથિત આચરણને અનુચિત ગણાવી નોટિસ આપવામાં આવી છે.

યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓનું માનવું છે કે પોલેન્ડના વિદ્યાર્થીને ગયા વર્ષે ડિસેમ્બરમાં શહેરના મોલાલી વિસ્તારમાં થયેલી સીએએ વિરોધી પ્રદર્શનમાં સામેલ થવાની કિંમત ચૂકાવી પડી રહી છે.