નવી દિલ્હીઃ મોદી સરકાર માટે અનેક પ્રકારના નેગેટિવ સમાચારો વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયુ છે. 2.94 ટ્રિલિયન ડૉલરની ઇકોનૉમીની સાથે ભારતે વર્ષ 2019માં બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોને પાછળ પાડી દીધા છે.

ખાસ વાત છે કે, નરેન્દ્ર મોદી સરકારે આગામી પાંચ વર્ષની અંદર 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનૉમી બનાવવાનુ લક્ષ્ય રાખ્યુ છે.

અમેરિકન રિસર્ચ સંસ્થા વર્લ્ડ પૉપ્યૂલેશન રિવ્યૂએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, આત્મનિર્ભર બનવાની પૂર્વ નીતિના કારણે ભારત હવે આગળ વધતા એક ઓપન માર્કેટવાળી અર્થવ્યવસ્થા તરીકે વિકસી રહ્યું છે.



શું કહેવાયુ છે રિપોર્ટમાં.......
રિપોર્ટમાં કહેવાયુ છે કે, 'ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રૉડક્ટ (જીડીપી)ના મામલામાં ભારત 2.94 લાખ કરોડ (ટ્રિલિયન) ડૉલરની સાથે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. આ મામલે તેને 2019માં બ્રિટન અને ફ્રાન્સને પાછળ પાડી દીધા છે.'

ન્યૂઝ એજન્સી અનુસાર, બ્રિટનની અર્થવ્યવસ્થાનો આકાર 2.83 ટ્રિલિયન ડૉલર છે, જ્યારે ફ્રાન્સનો 2.7 ટ્રિલિયન ડૉલર છે. ખરીદ શક્તિ સમાનતા (પીપીપી)ના આધાર પર ભારતનો જીડીપી 10.51 ટ્રિલિયન ડૉલર છે, અને આ જાપાન તથા જર્મનીથી ઘણો વધારે છે.