નવી દિલ્હીઃ રામ મંદિર માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના ન્યાસી બનેલા શંકરાચાર્ય વાસુદેવાનંદે સોમવારે અયોધ્યામાં કહ્યું કે, રામજન્મભૂમિ ન્યાસના ખાતામાં હાલમાં લગભગ સવા કરોડ રૂપિયા જમા થયા છે. આ રકમ નવગઠિત ટ્રસ્ટને આપવામાં આવશે. રામજન્મભમિ તીર્થ ક્ષેત્રની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં 19 ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટની રજીસ્ટ્રર ઓફિસમાં મળી હતી.
તેમણે શ્રીરામજન્મભૂમિ ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી. આ સાથે જ અન્ય સંતો સાથે પણ મુલાકાત કરી લખનઉ જવા રવાના થયા હતા. આ અગાઉ શંકરાચાર્યએ કારસેવકપુરમમાં પણ વિહિપના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ અવસર પર સંગઠન તરફથી તેમનું સ્વાગત કરાયું હતું.
લખનઉ રવાના થતા અગાઉ તેમણે કહ્યુ કે, રામજન્મભૂમિ ન્યાસના ખાતામાં હાલમાં લગભગ સવા કરોડ રૂપિયાની રકમ પડી છે. આ રકમ નવગઠિત ટ્રસ્ટને સોંપવામાં આવશે. મંદિર આંદોલન દરમિયાન પ્રસ્તાવિત રામ મંદિર મોડલનો સ્વીકાર કરવામાં આવશે કારણ કે આ ભારતીય શિલ્પ કલાનો વિશિષ્ઠ નમૂનો છે.