Pegasus Latest Update: કથિત પેગાસસ જાસૂસી કાંડને લઇને એકવાર ફરી દેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકન ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2017માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ ગયા હતા ત્યારે બે અબજ ડોલરનો સંરક્ષણ કરાર થયો હતો. આ કરારમાં પેગાસસને લઇને પણ ડીલ થઇ હતી.
જોકે અખબારના રિપોર્ટમાં આ વાતના કોઇ પુરાવાઓ આપ્યા નથી. હવે કોગ્રેસે આ મુદ્દા પર મોદી સરકારને ઘેરી રહી છે. કોગ્રેસ આ મુદ્દા પર સરકાર પાસે જવાબ માંગ્યો છે. સાથે જ સવાલ કર્યો છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે?
કોગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ચૂપ છે? ન્યૂયોર્ક ટાઇમ્સે ખુલાસો કર્યો છે કે કરદાતાઓના 300 કરોડ રૂપિયા ઇઝરાયલી એનએસઓને આપવામાં આવ્યા. જેનો અર્થ એ છે કે સરકારે સુપ્રીમ કોર્ટ અને સંસદને ગેરમાર્ગે દોર્યા છે.
શિવસેનાએ પણ ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ બાદ ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ કહ્યું કે રિપોર્ટથી એ સ્પષ્ટ છે કે વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો હતો તે યોગ્ય હતો. સંજય રાઉતે કહ્યું કે આ લોકતંત્ર છે કે શું? આ તો ખૂબ ખરાબ હિટલરશાહી છે. જે વાત અમે એક વર્ષ અગાઉ કહી હતી, રાહુલ ગાંધીએ પણ કહી હતી. અમે વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમારા પરિવારના બેન્ક એકાઉન્ટ ચેક કરાઇ રહ્યા છે. અમારા ફોન સાંભળવવામાં આવી રહ્યા છે.
ન્યૂયોર્ક ટાઇમ્સે રિપોર્ટમાં દાવો કર્યો કે Federal Bureau of Investigationએ પણ આ સ્પાયવેરને ખરીદ્યો હતો અને તેને ટેસ્ટ પણ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે આ સ્પાયવેરને ગ્લોબલી યુઝ કરવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઇઝરાયલ સંરક્ષણ મંત્રાલયે ડીલ લાયસન્સમાં પેગાસસને પોલેન્ડ, હંગરી અને ભારત સિવાય બીજા દેશને પણ વેચ્યો હતો.
પેગાસસ શું છે
પેગાસસ એક સ્પાયવેર છે. જેને ઇઝરાયલની કંપની NSOએ તૈયાર કર્યો છે. આ સ્પાયવેરને સતાવાર સરકારી એજન્સીઓને પણ વેચવામાં આવ્યો હોવાનો દાવો છે. આ સ્પાયવેરથી સ્માર્ટફોન મારફતે જાસૂસી થઇ શકે છે.
પેગાસસ સ્પાયવેર મામલે વિપક્ષે મોદી સરકાર પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. દાવો કર્યો હતો કે આ સ્પાયવેરની મદદથી 300થી વધુ ભારતીય નંબરોની જાસૂસી કરાઇ હતી. જેમાં પત્રકારો અને નેતાઓ પણ સામેલ છે.
નોંધનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરાઇ છે. ત્યારબાદ 27 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે બે નિષ્ણાંતો સાથે સેવાનિવૃત ન્યાયાધીશ આરવી રવિન્દ્રનની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર કમિટિ બનાવી હતી જે આ મામલાની તપાસ કરી રહી છે.