Operation Sindoor: ભારતીય સેનાના એર ડિફેન્સ ડિરેક્ટર જનરલ લેફ્ટિનન્ટ જનરલ સુમેર ઇવાન ડી'કુન્હાએ ઓપરેશન સિંદૂર પછી ભારતની સૈન્ય ક્ષમતાઓ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત પાસે પાકિસ્તાનમાં ઘૂસીને ચોક્કસાઈથી હુમલો કરવાની શક્તિ છે, પછી ભલે તે રાવલપિંડી હોય, ખૈબર પખ્તુનખ્વા હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય.
લેફ્ટિનન્ટ જનરલ સુમેર ઇવાન ડી'કુન્હાએ કહ્યું કે આખું પાકિસ્તાન અમારી હદમાં છે. જો પાકિસ્તાની સેના પોતાનું મુખ્ય મથક રાવલપિંડીથી કેપીકે પણ ખસેડે તો પણ તેમને છૂપાવવા માટે ઊંડો ખાડો શોધવો પડશે.
ઓપરેશન સિંદૂરમાં ભારતે શું કર્યું?
પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ 6-7 મેની મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની એરબેઝ અને આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલો કર્યો હતો. સેનાએ અસરકારક રીતે લોટરિંગ મ્યૂનિશન, લોંગ રેન્જ ડ્રોન અને ગાઇડેડ હથિયારોનો પ્રભાવિ હુમલો કર્યો હતો. લશ્કર અને જૈશના મુખ્યાલય, ઘૂસણખોરી ચોકીઓ અને કંટ્રોલ રૂમનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં ભારતમાં કેટલાક વોન્ટેડ આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે.
ભારતીય સેનાની રણનીતિ
લેફ્ટિનન્ટ જનરલ ડી'કુન્હાએ કહ્યું કે ભારતની લશ્કરી વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. હવે આપણે ફક્ત "સહન" કરતા નથી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાવ આપવાની નીતિ અપનાવવામાં આવી રહી છે, જેને તેમણે શિશુપાલ સિદ્ધાંત કહીને સંબોધિત કર્યો હતો. શિશુપાલ સિદ્ધાંત હેઠળ લેફ્ટિનન્ટ જનરલે કહ્યું હતું કે, જ્યાં સુધી સરહદ ઓળંગવામાં ન આવે ત્યાં સુધી અમે સહન કરીએ છીએ, પરંતુ જેવી સરહદ ઓળંગતાની સાથે જ અમે નિર્ણાયક પગલાં લઈએ છીએ. આ રણનીતિ દ્વારા ભારતે વિશ્વને સંકેત આપ્યો છે કે હવે આતંકવાદ સામે રક્ષણાત્મક વલણને બદલે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે.
આત્મનિર્ભર સૈન્ય ટેકનોલોજી
ઓપરેશન સિંદૂરમાં ભારતની સ્વદેશી ટેકનોલોજી અને લશ્કરી શાખાઓ વચ્ચે તાલમેલ જોવા મળ્યો હતો. ભારતીય સેનાની ડ્રોન ડિટેક્શન અને ઇન્ટરસેપ્શન સિસ્ટમે દુશ્મનના યુએવીને બેઅસર કરી દીધા. લાંબા અંતરની ચોકસાઇવાળી મિસાઇલોએ કોઈપણ નાગરિક જાનહાનિ વિના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. વાયુસેના, સેના અને ગુપ્તચર એજન્સીઓએ એકીકૃત કમાન્ડ માળખા હેઠળ સંકલિત રીતે કામ કર્યું. આ અંગે ડી'કુન્હાએ કહ્યું કે અમે માત્ર સરહદોનું રક્ષણ જ કર્યું નથી પરંતુ છાવણીઓ, નાગરિક વિસ્તારો અને અમારા સૈનિકોના પરિવારોને પણ સુરક્ષિત રાખ્યા છે. આ આપણી ખરી જીત છે.