India-Canada Diplomatic Row: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ખાસ વાત છે કે, 13 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન હાઉસ ઓફ કૉમન્સમાં કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય ગુપ્તચર એજન્સીનો હાથ છે. આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોને ટાંકીને વૉશિંગ્ટન પૉસ્ટે માહિતી આપી હતી કે નિજ્જરની હત્યા ગુરુદ્વારાના પાર્કિંગ પાસે કરવામાં આવી હતી. આ હત્યામાં ઓછામાં ઓછા છ લોકો સામેલ હતા, જેમની પાસે બે વાહનો હતા.


વીડિયો તપાસકર્તાઓની સાથે શેર કરવામાં આવ્યો 
વૉશિંગ્ટન પૉસ્ટે પોતાના અહેવાલમાં કહ્યું છે કે કેનેડાના સ્થાનિક શીખ સમુદાયના સભ્યોનું કહેવું છે કે અધિકારીઓએ તેમને ગુરુ નાનક શીખ ગુરુદ્વારાની બહાર 18 જૂને થયેલી હત્યાની તપાસ વિશે બહુ ઓછું જણાવ્યું છે. તેમનું કહેવું છે કે પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. આ વિલંબ પાછળ પોલીસ અને એજન્સીઓ વચ્ચે મતભેદ હોવાનું કહેવાય છે. ગુરુદ્વારાની નજીકના ઘણા વેપારી માલિકો અને રહેવાસીઓ કહે છે કે તપાસકર્તાઓ પ્રશ્નો પૂછવા કે સુરક્ષા કેમેરા શોધવા આવ્યા નથી.નિજ્જરની હત્યા ગુરુદ્વારાના સુરક્ષા કેમેરામાં કેદ થઈ હતી.


આ વીડિયો તપાસકર્તાઓ સાથે શેર કરવામાં આવ્યો છે. વૉશિંગ્ટન પૉસ્ટે 90-સેકન્ડના વીડિયો રેકોર્ડિંગની સમીક્ષા કરવાનો દાવો કર્યો હતો જેમાં નિજ્જરની ગ્રે પીકઅપ ટ્રક પાર્કિંગની જગ્યામાંથી બહાર નીકળતી દર્શાવવામાં આવી હતી. તેની કારની બાજુમાં એક સફેદ સેડાન દેખાય છે, જે ટ્રકની સમાંતર ચાલે છે.


કેનેડાના સ્થાનિક શીખ સમુદાયના સભ્યોનું કહેવું છે કે તપાસકર્તાઓએ તેમને જણાવ્યું છે કે હુમલાખોરોએ લગભગ 50 ગોળીઓ ચલાવી હતી, જેમાંથી નિજ્જરને 34 ગોળીઓ વાગી હતી. બધે લોહી હતું અને જમીન પર તૂટેલા કાચ. જમીન ગોળીઓથી છલોછલ હતી. તે જ સમયે ગુરમીત સિંહ તૂર નામનો અન્ય ગુરુદ્વારાનો નેતા તેની પીકઅપ ટ્રકમાં આવે છે, નિજ્જરને કારમાં લઈ જાય છે અને બંદૂકધારીઓનો પીછો કરવા માટે નીકળે છે.


ભારતમાં ખાલિસ્તાની આંદોલન ગેરકાયદે - 
ઉલ્લેખનીય છે કે, 45 વર્ષીય હરદીપ સિંહ નિજ્જર એક ખાલિસ્તાની ચળવળના નેતા હતા, જેનો ઉદ્દેશ્ય ભારતના પંજાબ ક્ષેત્રમાં સ્વતંત્ર શીખ રાજ્યની સ્થાપના કરવાનો હતો. જોકે, ભારતમાં ખાલિસ્તાન આંદોલન ગેરકાયદેસર છે. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જુલાઈ 2022માં નિજ્જર પર પંજાબમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો અને તેને ભાગેડુ આતંકવાદી ગણાવ્યો હતો. તેના પરિવારજનોએ જણાવ્યું કે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.