Lok Sabha Session: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ મામલે બુધવારે (14 ડિસેમ્બર) લોકસભામાં હોબાળો થયો હતો. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના લોકસભા સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો હતો. બુધવારે પ્રશ્નકાળ પૂરો થતાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી હતી.
તેમણે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 1962માં લોકસભામાં ભારત-ચીન યુદ્ધ પર ચર્ચા કરવાની મંજૂરી આપી હતી. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે ભારત-ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી રહ્યા છીએ. 1962માં જ્યારે ભારત-ચીન યુદ્ધ થયું ત્યારે જવાહરલાલ નેહરુએ આ ગૃહમાં 165 સાંસદોને બોલવાની તક આપી હતી. આ પછી નક્કી થયું કે આપણે શું કરવાનું છે.
સ્પીકરે આ જવાબ આપ્યો
કોંગ્રેસના નેતાની માંગનો જવાબ આપતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સ્પીકરે ગૃહની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ કોંગ્રેસ અને ટીએમસીએ વિરોધમાં વોકઆઉટ કર્યું અને સરકાર પર ભારત-ચીન સરહદ મુદ્દે ચર્ચાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ટીએમસીના સભ્ય સુદીપ બંદ્યોપાધ્યાયે પણ ગૃહમાં ચર્ચાની માંગ ઉઠાવી અને કહ્યું કે તેમની પાર્ટીના સભ્યો સરકારના વલણના વિરોધમાં વોકઆઉટ કરી રહ્યા છે.
વિપક્ષના સાંસદોએ અગાઉ પણ વોકઆઉટ કર્યું હતું
દિવસની શરૂઆતમાં વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાઓના વિરોધમાં લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ અને ડીએમકેના સભ્યો કેટલાક મુદ્દા ઉઠાવવા માંગતા હતા. સ્પીકરે વિરોધ કરી રહેલા સભ્યોને કહ્યું કે પ્રશ્નકાળ મહત્વપૂર્ણ છે અને તે તેમના માટે છે. જો કે, તેમણે વિવિધ મુદ્દાઓ ઉઠાવવાની માંગ કરી હતી. આ પછી કોંગ્રેસ, ડીએમકે, એનસીપી અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય પક્ષોના સભ્યોએ પ્રશ્નકાળ દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.