નવી દિલ્હીઃ ભારત ચીન વિવાદની વચ્ચે કેન્દ્ર સરકારે સેનાની તાકાતને તાત્કાલીક વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે હથિયાર અને દારૂગોળો ખરીદવા માટે સેનાની ત્રણેય પાંખને 500 કરોડ રૂપિયાની સુધીની ખરીદવા માટે ઇમર્જન્સી પાવર આપ્યા છે. સેનાની ત્રણે પાંખમાં થલ સેના, વાયુસેના અને નૌસેના આવે છે.


સરકારે એક જ વિક્રેતા પાસેથી જરૂરી હથિયાર અને ઉપકરણોની ખરીદી કરવા જેવી વિશેષ છૂટ આપીને સૈન્ય ખરીદમાં વિલંબ થતો અટકાવ્યો છે. વિશેષ નાણાંકીય પાવર દળોને એલએસી પર પોતાના અભિયાનની તૈયારીઓને વધારવા માટે ઓછા સમયમાં હથિયારોની ખરીદી માટે આપવામાં આવ્યા છે.

ચીનને જવાબ આપવા માટે સેનાને ખુલી છૂટ

આ પહેલા સરકારે ભારતીય સૈનિકોને એલએસી પર ચીનની કોઈપણ કાર્રવાઈનો સામનો કરવા માટે ફાયરિંગની ખુલી છૂટ આપી છે. હવે સેનાને એલએસી પર ચીનની કોઈપણ હરકતનો સામનો કરવા માટે હથિયાર ચલાવવા અને ગોળીબાર સુધીની છૂટ છે. એટલે કે જવાનો હવે ચીનની સાથે સરહદને લઈને નિયમો સાથે બંધાયેલ નથી.

જોકે એ તો સ્પષ્ટ નથી કે શું ચીનની સાથે થયેલ સંધિઓ તોડી નાંખવામાં આવી છે, પરંતુ એટલું જરૂરી કહી શકાય કે ગલવાન ખીણમાં જે હિંસક સંઘર્ષ થયો તેમાં શું ચીને કોઈ સંધિને માની છે? એવામાં ભારતીય સેનાને કોઈપણ પ્રકારની જવાબી કાર્રવાઈ કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.