લદ્દાખ: ભારત અને ચીન વચ્ચે એલએસી પર જ્યાં 45 વર્ષ બાદ ફાયરિગ થયું ત્યાં હજુ પણ તણાવની સ્થિતિ છે. તેની વચ્ચે એલએસી પર એક ચોંકાવનારી તસ્વીર સામે આવી છે. જેમાં ચીની સેના એલએસી પર પોતાની ભાલા અને તીક્ષ્ણ હથિયારોવાળી ટૂકડી તૈનાત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, ચીનની જે સૈનિકો આ તસવીરમાં નજર આવી રહ્યાં છે, તે રેગ્યુલર આર્મી નથી પરંતુ મિલિશિયા ફોર્સ છે ખૂબજ ખૂંખાર હોય છે.


પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતીય સેના સાથે રવિવારે બનેલી ઘટના બાદથી જ ચીની સૈનિકો ભાલા અને ધારદાર હથિયારો લઈને એલએસી પર તૈનાત થઈ ગયા છે. ચીની પીપૂલ્સ લિબરેશન આર્મીન જવાનો તરફથી ભારતીય સેનાને તેની પોઝિશનથી હટવા માટે ફરી પ્રયાસ કરવાની સંભાવના છે. આ તસવીર સામે આવ્યા બાદ સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે એલએસી પર હજુ પણ ઘર્ષણની સ્થિતિ બનેલી છે.

સરહદ પર ચીન સાથે ફરી તણાવ વધવાની સાથે ભારતીય સેનાના ટોચના નેતૃત્વએ અનેક વિચાર વિમર્શ કર્યા છે. ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ મુખ્ય સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવડેએ રાજનાથ સિંહને ઉભરતી સ્થિતિ વિશે જાણકારી આપી હતી.

આ પહેલા ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે, ચીની સૈનિકો ભડકાઉ સેન્ય આંદોલનોમાં લાગેલા છે અને તેમની તરફથી સાત સપ્ટેમ્બરે ભારતીય સૈનિકોને ડરાવવા માટે ફાયરિં કર્યું. જ્યારે બીજી તરફ ચીન ઉલ્ટુ ભારત પર જ આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટના સોમવારે પેંગોન્ગ ત્સોના દક્ષિણ તટ પર શેનપાવો પર્વત નજીક રેજાંગ લા પાસે થઈ હતી.