નવી દિલ્હી: ભારતમાં 24 કલાકમાં કોરોના વાયરસના 73,272 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 926 દર્દીઓના મોત થયા છે. ત્યારે 82,753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે જ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 69 લાખને પાર પહોંચી ગઈ છે.


અત્યાર સુધી ભારતમાં કુલ 69,79,424 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 1,07,416 દર્દીઓના આ સંક્રમણથી મોત થયું છે, જ્યારે સંક્રમણમાંથી કુલ 59,88,822 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ભારતમાં કોરોના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં રિકવરી રેટ 85.81 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.54 ટકા છે.


છેલ્લા 24 કલાકમાં 73,272 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 79 ટકા કેસ 10 રાજ્યોમાંથી છે. આ દસ રાજ્યમાં - મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરણ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને ઓડિસા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 12,134 નવા કેસ સામે આવ્યા છે.

એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો

ભારતમાં હાલ 8,83,185 એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક મહીના પહેલા 9 સપ્ટેમ્બરે ભારતમાં 8,97,394 એક્ટિવ કેસ હતા. એટલે કે કુલ સંક્રમિત દર્દીઓના 12.65 ટકા છે. આ સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.