નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 5 લાખને નજીક પહોંચી ગઈ છે. છેલ્લી 24 કલાકમાં કોરોના વાયરસના 17,296 નવા કેસ સામે આવ્યા છે અને 407 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 4,90,401 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમાંથી 15,301ના મોત થયા છે, જ્યારે 2,85,000 લોકો સાજા થઈને ઘરે ગયા છે.


વિશ્વમાં ચોથો સૌથી પ્રભાવિત દેશ

કોરોના સંક્રમિતની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિદ દેશોમાં બારત ચોથા સ્થાન પર આવી ગયું છે. ભારતથી વધારે કેસ અમેરિકા (2,502,311), બ્રાઝીલ (1,233,147), રશિયા (613,994)માં છે. જ્યારે ભારતમાં કેસ વધવાની ગતિ વિશ્વમાં ચોથા નંબર પર છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે કેસ ભારતમાં આવી રહ્યા છે.

એક્ટિવ કેસના મામલે ટોપ-5 રાજ્ય

આંકડા અનુસાર, દેશમાં હાલમાં 1.89 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 63 હજારથી વધારે સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર તમિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.

એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત ચોથા સ્થાન પર છે. એટલે કે ભારત એવો ચોથો દેશ છે, જ્યાં હાલમાં સૌથી વધારે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.