નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 70 લાખને પાર પહોંચી ગઈ છે. તેમાંથી 1 લાખ 8 હજાર 334 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે રિકવરી મામલે કુલ સંખ્યા 60 લાખથી વધુ છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8 લાખ 67 હજાર પર આવી ગઈ છે.

રાહતની વાત એ છે કે, દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની સરખામણીએ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 6 ગણી વધારે છે. દેશમાં સતત ત્રણ અઠવાડિયાથી નવા રિકવરી કેસોની સંખ્યા, નવા કેસ કરતા વધુ આવી રહી છે. દેશમાં રિકવરી રેટ 86 ટકા છે. મૃત્યુદર 1.53 ટકા થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 74, 383 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા અને 89,154 ર્દદીઓ સાજા થયા હતા. જો કે, વધુ 918 દર્દીઓના મૃત્યુ થયું છે. એક્ટિવ કેસ 61 ટકા આ પાંચ રાજ્યોમાં છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સામેલ છે. કુલ રિકવરી કેસોના 54.3 ટકા પણ આ પાંચ રોજ્યમાં નોંધાયા છે.

ICMR અનુસાર, 10 ઓક્ટોબર સુધી કોરોના વાયરસ કુલ 8 કરોડ 68 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ શનિવારે કરવામાં આવ્યું. પોઝિટિવી રેટ 7 ટકાની આસપાસ છે.