મુંબઈ: ટીઆરપી સ્કેપની તપાસ કરી રહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આજે 6 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે શનિવારે સમન્સ પાઠવ્યું હતું. જે લોકોને સમન્સ આપવામાં આવ્યું છે, તેમાં- રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ કનચંદાની, સી.ઓ.ઓ હર્ષ ભંડારી. સીઓઓ પ્રિયા મુખર્જી, ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામ સિંહ છે. સાથે જ હંશા એજન્સીના સીઈઓ અને હંસાના એક કર્મચારીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
આ પહેલા શનિવારે રિપબ્લિક ટીવીના સીઓફઓ એસ. સુન્દરમ અને ઘનશ્યામ સિંહ સમન્સ બાદ પણ ક્રાઈમ બ્રાન્ચ સામે હાજર થયા નહોતા. તેમણે ક્રાઈમ બ્રાન્ચને એક પત્ર પણ લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે, ઘનશ્યામ સિંહ મુંબઈની બહાર છે અને સુંદરમે રિપબ્લિક દ્વારા સુપ્રીમ કોર્ટમાં મદદની વાત કરી છે. સુંદરમે 16 ઓક્ટોબર સુધી પોતાના કામોમાં વ્યસ્તતાના કારણે ક્રાઈમ બ્રાન્ચ પાસે સમય માંગ્યો છે અને શનિવારે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ આવવા માટે અસમર્થતા દર્શાવી છે. તેની સાથે સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 અંતર્ગત આ મામલે દાખલ કરવામાં આવેલી રિટ પિટીશનનો પણ હવાલો આપ્યો છે.


બોગસ ટીઆરપી રેકેટની તપાસ કરી રહી છે સીઆઈયૂ

ક્રાઈમ બ્રાન્ચે શનિવારે બે એડ એજન્સીઓ લિન્ટાસ એજન્સીના શશિ સિન્હા અને મેડિસનના સમ્બલસારાની પૂછપરછ કરી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ક્રાઈમ ઈન્ટેલિજન્ટ યૂનિટ(CIU)બોગસ ટીઆરપી રેકેટની તપાસ કરી રહી છે. પોલીસે આ મામલે ગુરુવારે ફક્ત મરાઠી અને બોક્સ સિનેમાના માલિકો સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે દાવો કર્યો કે, રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલોએ ટીઆરપીમાં ચેડાં કર્યા છે. પોલીસે જણાવ્યું કે, આ રેકેટનો ખુલાસો ત્યારે થયો જ્યારે, ટીઆરપી માપનાર બાર્કે હંસા રિસર્ચ ગ્રુપ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી આ મામલે ફરિયાદ નોંધાવી.