નવી દિલ્હી: દેશમાં કોરો સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે બ્રાઝીલ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં ભારત કરતા વધુ કેસ આવી રહ્યાં છે. ભારતમાં સતત સાતમાં દિવસે 30 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે.


છેલ્લા 24 કલાકમાં 26,624 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જ્યારે 341 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, વધુ 29,690 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગઈ છે.

દેશમાં સંક્રમિતો સંખ્યા એક કરોડને પાર

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને એક કરોડ 31 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 45 હજાર 477 લોકોએ આ બીમારીથી જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 5 હજાર થઈ ગયા છે. અત્યાર સુધી 95 લાખ 80 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
છેલ્લા 23 દિવસથી સતત કોરોના કેસ કરતા રિકવરી વધી રહી છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે, જ્યારે રિકવરી રેટ 95 ટકા છે. એક્ટિવ કેસ 3 ટકા છે.

ICMR અનુસાર, 18 ડિસેમ્બર સુધી દેશમાં કોરોનાના 16 કરોડ 11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી ગઈ કાલે 11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં પોઝિટિવી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20 હજારથી ઓછા સક્રિય કેસ છે. કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાં 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.