કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ કહ્યું કે, પોતાના આગામી પગલુ શું હશે તે આવતા બે દિવસમાં નક્કી કરશે. આ અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તે આંદોલનના સમાધાન માટે કૃષિ વિશેષજ્ઞો અને ખેડૂત યુનિયનોનો એક નિષ્પક્ષ અને સ્વતંત્ર સમિતિની રચના કરવા પર વિચાર કરી રહી છે. ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે, રણનીતિ નક્કી કરવા માટે યુનિયનો વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
ખેડૂત કૉંગ્રેસે શુક્રવારે પ્રધાનમંત્રીને પત્ર લખીને તેમની સરકાર પર નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન 22 ખેડૂતોના મોતનો આક્ષેપ કર્યો છે. તેની સાથે મૃતક ખેડૂતોના પરિવારના સભ્યોને એક કરોડ રૂપિયા વળતર આપવાની માંગ પણ કરી છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હરિયાણા ભાજપના વરિષ્ઠ નેતા ચૌધરી બિરેન્દરસિંહે કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યુ છે. બિરેન્દસિંહ હરિયાણાના સામ્પલા ખાતે ખેડૂતો દ્વારા આયોજિત ધરણામાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે દેશના દરેક નાગરિકનું આંદોલન છે.
સિંહે કહ્યું, ખેડૂતો સાથે ઉભા રહેવું મારી નૈતિક જવાબદારી છે. ખેડૂતોને નવા કૃષિ કાયદાથી તેમની આર્થિક સ્વતંત્રતા છીનવાઈ જવાનો ડર છે. આ લડાઈના સાક્ષી બનવાનો મેં નિર્ણય લીધો છે, આ લડાઇના અમે સમર્થક બનીશું. ખેડૂત આંદોલનના સમર્થનમાં અમે દિલ્હીની આસપાસ હરિયાણાના જિલ્લામાં સાંકેતિક ભૂખ હડતાળ કરીશું.