નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યામાં વધારો યથાવત છે. જો કે, ત્રીજા દિવસે સતત 15 હજારથી ઓછા કોરોનાના કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 14,849 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા અને 155 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 15,948 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના વાયરસા કુલ કેસ વધીને એક કરોડ 6 લાખ 54 હજાર 533 થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધી 53 હજાર 339 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. એક કરોડ ત્રણ લાખ 16 હજાર લોકો કોરોને મ્હાત આપીને સાજા થયા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1 લાખ 84 હજાર થઈ ગઈ છે.
ICMR અનુસાર, 23 જાન્યુઆરી સુધી કોરોના વાયરસના કુલ 19 કરોડ 17 લાખ 66 હજાર કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 7.81 લાખ સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.44 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકા છે.
15 લાખથી વધુ લોકોને અપાઈ વેક્સીન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં અત્યાર સુધી 15,82,190 લોકોએ કોરોનાની રસી લીધી છે. જેમાંથી ગઈકાલે 91 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં 16 જાન્યુઆરીથી દેશમાં રસીકરણનું મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે.