નવી દિલ્હી: ભારતમાં દરરોજ કોરોના સંક્રમણના જેટલા કેસ સામે આવી રહ્યા છે, તેના 25-30 ટકા વધારે સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધીને 70 લાખને પાર પહોંચી છે. એક્ટિવ કેસ પણ સાત લાખથી ઓછા છે. દેશમાં કોરોના સંક્રમિતની કુલ સંખ્યા 78 લાખ 14 હજાર થઈ ગઈ છે. જેમાંથી એક લાખ 17 હજાર 956 લોકોના મોત થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 53,370 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને 650 કોરોના સંક્રમિતોની પોતાના જીવ ગુમાવ્યા છે. 67549 લોકો સ્વસ્થ થયા છે.

એક્ટિવ કેસના મુકાબલે 10 ગણી વધારે રિકવરી

સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિકવરી થયેલા લોકોની સંખ્યા આશરે 10 ગણી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ, મૃત્યુદર અને રિકવરી રેટ ટકાવારી સૌથી વધારે છે.
રાહતના સમાચાર છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. મૃત્યુદર 1.50 ટકા થયો છે. એક્ટિવ કેસ જેમની સારવાર ચાલી રહી છે તે ઘટીને 9 ટકાથી ઓછો છે. આ સાથે જ રિકવરી રેટ પણ 90 ટકા છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.

સૌથી વધારે મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસ

દેશના 22 રાજ્યો કેંદ્ર શાસિત પ્રદેશોમાં 20,000થી ઓછા એક્ટિવ કેસ છે. માત્ર કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 50,000થી વધારે એક્ટિવ કેસ રિપોર્ટ થઈ રહ્યા છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત બીજા સ્થાન પર છે. મોત મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર છે.

ICMR મુજબ, 23 ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસના કુલ 10 કરોડ 13 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાંથી 12.69 લાખ સેમ્પલની ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યા.