નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 96 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 27 દિવસથી કોરોનાના કેસ 50 હજારથી ઓછા આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 36,652 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 512 લોકોના કોરોનાથી મૃત્યુ થયું હતું.

જો કે, રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 42,533 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના કેસ મામલે ભારત દુનિયામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ત્રીજા નંબરે છે. મૃત્યુઆંક મામલે સાતમાં નંબરે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 96 લાખ 8 હજાર થઈ ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 39 હજાર 700 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસ ઘટીને ચાર લાખ 9 હજાર થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 6393 ઘટી છે. અત્યાર સુધી 90 લાખ 58 હજાર લોકો કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ ગયા છે.

ICMR અનુસાર, દેશમાં 2 ડિસેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 14 કરોડ 45 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 11 લાખ સેમ્પલ ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા હતા. પોઝિવિટી રેટ સાત ટકા છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે.

દેશમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં રિકવરી રેટ 94 ટકા છે અને મૃત્યુ દર 1.45 ટકા છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું સાતમું સ્થાન છે.