નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત છે. જો કે એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો પણ થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમા 72,049 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 82,203 દર્દીઓ સાજા થયા છે. 986 દર્દીઓના મોત પણ થયા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 67 લાખ 57 હજાર પર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 4 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 9 લાખ 7 હજાર થઈ ગઈ છે અને કુલ 57 લાખ 44 હજાર લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયેલા લગભગ 6 ગણી વધારે છે.

ICMR અનુસાર, 6 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 8,22,71,654 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11,99,857 સેમ્પલની ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવી હતી. પોઝિટિવિટી રેટ 7 ટકા જેટલો છે .

સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં

દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્ર બાદ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત બીજા નંબરે છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મામલે પણ બીજા નઁબરે છે. અને મોત મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતનો નંબર છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર 1.54 ટકા છે. જ્યારે રિકવરી રેટ 84 ટકા, દેશમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે.