નવી દિલ્હીઃ ભારતે યુએનમાં તુર્કી અને મલેશિયા દ્ધારા કાશ્મીર મામલો ઉઠાવવાને લઇને શુક્રવારે કડક પ્રતિક્રિયા આપી છે. ભારતે બંન્ને દેશોને સલાહ આપતા કહ્યું કે, આ પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મુદ્દા પર બિનજરૂરી નિવેદનબાજી ના કરો. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, આ દેશ આ પ્રકારના નિવેદનો વિચારીને આપે. કાશ્મીર ભારતનો પુરી રીતે આંતરિક મામલો છે.
કાશ્મીર પર તુર્કીના નિવેદન પર રવીશ કુમારે કહ્યું કે, એ ખૂબ દુખદ વાત છે કે તુર્કીએ છ ઓગસ્ટ બાદથી આવા મુદ્દા પર અનેકવાર નિવેદન આપ્યા છે જે પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. આ નિવેદન ખામીયુક્ત, પક્ષપાતપૂર્ણ અને બિનજરૂરી છે. અમે આ મામલે તુર્કીને એ જ કહીશું કે તે પ્રથમ ગ્રાઉન્ડ સ્થિતિને સમજે ત્યારબાદ કોઇ નિવેદન આપે.
મલેશિયાએ પણ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યા હતા. રવીશ કુમારે કહ્યું કે, મલેશિયા સાથે આપણા પરંપરાગત રીતે સારા અને મિત્રતાપૂર્ણ સંબંધો છે. અમે મલેશિયાના વડાપ્રધાન દ્ધારા આપવામાં આવેલા નિવેદનથી ખૂબ હેરાન અને દુખી છીએ. તેમનું નિવેદન તથ્યો પર આધારિત નથી.
કુમારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરે બીજા રાજ્યોની જેમ પુરી રીતે ભારતમાં વિલય સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના હિસ્સા પર કબજો કરી લીધો છે. મલેશિયા સરકારે પોતાના દિમાગમાં બંન્ને દેશોના સંબંધોનું પણ ધ્યાન રાખે.