Hydrogen Train Indian Railway: દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન તૈયાર થઈ ગઈ છે. ભારતીય રેલવે ડિસેમ્બર 2024 માં તેની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ઇકો-ફ્રેન્ડલી ટ્રાવેલની દિશામાં આ એક મોટું પગલું છે. RDSO એ હાઈડ્રોજન ટ્રેનની પ્રથમ તસવીર જાહેર કરી છે. આરડીએસઓ ડિરેક્ટર ઉદય બોરવણકરે જણાવ્યું હતું કે આ ટ્રેન ઉત્તર રેલવે ઝોન હેઠળ હરિયાણાના જીંદ-સોનીપત સેક્શન પર દોડશે. તેમાં 8 કોચ હશે. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.


ભારતમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેનના વિકાસે દેશના રેલ પરિવહનમાં એક મુખ્ય તકનીકી સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ પ્રોજેક્ટને RDSO (રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે અને ચેન્નાઇ સ્થિત IFC સાથે આ ટ્રેન માટે રૂ. 2,800 કરોડ ફાળવવામાં આવ્યા છે. હાઇડ્રોજન ટ્રેન ડીઝલ એન્જિન કરતાં ઓછું પ્રદૂષણ કરે છે.


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન તૈયાર છે. તેનું ટ્રાયલ પણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તેને સામાન્ય મુસાફરો માટે ચલાવવામાં આવશે. વાસ્તવમાં, RDSOએ જ આ ટ્રેનની ડિઝાઈન ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈમાં બનાવી છે.


આ ટ્રેન અંદરથી કેવી હશે ?


હાઈડ્રોજન ટ્રેનમાં હાઈડ્રોજન માટે કમ્પાર્ટમેન્ટ હશે અને તેને ઈંધણમાં રૂપાંતરિત કરવા માટે 4 બેટરી પણ હશે. ખાસ વાત એ છે કે વિશ્વના ઘણા દેશોમાં રોડ ટ્રાન્સપોર્ટમાં તો હાઇડ્રોજન ઇંધણ  સફળ છે, પરંતુ રેલ ટ્રાન્સપોર્ટમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ થયો નથી. હાઇડ્રોજન ટ્રેનનું આંતરિક ટેકનિકલ માળખું ડ્રાઇવરના ડેસ્કની પાછળ એક નિયંત્રણ પેનલ હશે અને તેની પાછળ 210 કિલોવોટની બેટરી હશે, તેની પાછળ ફ્યુઅલ સેલ હશે, ત્યારબાદ હાઇડ્રોજન સિલિન્ડર કાસ્કેડ-1, 2 અને 3 હશે. આ પછી ફ્યૂલ સેલ હશે. અને અંતે બીજી 120 કિલો વોટની બેટરી લગાવવામાં આવશે.


હાઇડ્રોજન ટ્રેનની મુખ્ય વિશેષતાઓ 


પ્રથમ હાઈડ્રોજન ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. ડિસેમ્બર 2024 સુધીમાં ટ્રેન શરૂ કરવાની યોજના છે. આ ટ્રેન મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેમાં કુલ 8 કોચ હશે. તમને જણાવી દઈએ કે હાઈડ્રોજન ટ્રેન ડીઝલ અને અન્ય ઈંધણ પર ચાલતી ટ્રેનોની સરખામણીમાં પ્રદૂષણ ઘટાડવામાં સક્ષમ છે, કારણ કે તેનું ઉત્સર્જન માત્ર પાણી અને ગરમી છે. તેની ડિઝાઇન લખનૌ સ્થિત આરડીએસઓ સંસ્થામાં કરવામાં આવી છે. જ્યારે, ઉત્પાદન અને ઈન્ટીગ્રેશન IFC ચેન્નાઈ ખાતે થયું છે.


આ ભારતની પ્રથમ હાઈડ્રોજન ઈંધણવાળી ટ્રેન હશે


અત્યાર સુધી, હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેનો ફક્ત જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને ચીનમાં જ બનાવવામાં આવી છે, પરંતુ ક્યાંય તે મોટા પાયે સફળ થઈ નથી. આ ટ્રેન માત્ર જર્મનીમાં દોડે છે અને તેમાં માત્ર 2 કોચ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોટી વાત એ છે કે અમે આ ટેક્નોલોજીમાં નિપુણતા મેળવવા માંગીએ છીએ, કારણ કે અત્યાર સુધી દુનિયામાં ક્યાંય પણ તેનો મોટા પાયે ઉપયોગ થયો નથી. જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને ચીને પ્રયાસ કર્યા છે પરંતુ તે સ્તરે સફળ થઈ શક્યા નથી. અન્ય દેશો 1000 હોર્સ પાવર સુધી ગયા છે જ્યારે આપણે 1200hp પર કામ કરી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે તેનો ઉપયોગ દેશમાં બોટ, ટગ બોટ (જહાજો ખેંચી) અને ટ્રકમાં પણ થાય.”