નવી દિલ્હી: ભારતે હવે ઉત્તર અને મધ્ય અરબ સાગરથી લઇને એડનની ખાડી સુધીના વિસ્તારમાં દરિયાઈ કમાન્ડો સાથે 10 થી વધુ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ દ્વારા ભારત અરબી સમુદ્રમાં ચાંચિયાગીરી અને ડ્રોન હુમલાઓને રોકવા માટે તેની નૌકાદળની હાજરીમાં વધારો કરી રહ્યું છે.
ટીઓઆઇના અહેવાલ અનુસાર, આ "એડવાન્સ્ડ મેરીટાઇમ સિક્યોરિટી ઓપરેશન" ભારત દ્વારા સ્વતંત્ર રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે. યમનના હુતી બળવાખોરો દ્વારા નાગરિક અને સૈન્ય જહાજો પરના હુમલા બાદ ડિસેમ્બરમાં રેડ સીમાં શરૂ કરવામાં આવેલી યુએસની આગેવાની હેઠળની બહુરાષ્ટ્રીય 'ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન'માં સામેલ થવાનું ભારતે ટાળ્યું છે.
મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો માટે ખતરો
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં "સતત હાજરી" જાળવી રાખશે કારણ કે વધતી જતી ચાંચિયાગીરી અને વાણિજ્યિક જહાજો પર ડ્રોન હુમલાઓ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોને જોખમમાં મૂકે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ભારતીય યુદ્ધ જહાજો સમગ્ર પ્રદેશમાં સમુદ્રી લૂંટારુઓ અને ડ્રોન હુમલાના બે જોખમો સામે દેખરેખ રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે." "તેનો હેતુ અરબી સમુદ્રમાં પરિસ્થિતિને સ્થિર કરવામાં અને દરિયાઈ સુરક્ષાને વધારવા પર છે.
મિસાઇલ જહાજો તૈનાત
તૈનાત યુદ્ધ જહાજોમાં આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચી, આઈએનએસ ચેન્નઈ અને આઈએનએસ મોર્મુગાઓ જેવા ગાઇડેડ મિસાઈલ વિધ્વંસક સાથે સાથે આઈએનએસ તલવાર અને આઈએનએસ તરકશ જેવા યુદ્ધ જહાજોનો સમાવેશ થાય છે.
દરમિયાન ન્યૂઝ એજન્સી એએનઆઈએ સેનાના અધિકારીઓને ટાંકીને કહ્યું કે એમવી લીલા નોરફોક જહાજ પર હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. મરીન કમાન્ડોએ ઓપરેશન શરૂ કરી દીધું છે. કમાન્ડો જહાજ પર ઉતરી ગયા છે. હાઇજેક કરાયેલા જહાજમાં 15 ભારતીયો હાજર છે.
ક્રૂના 21 સભ્યોનો બચાવ થયો હતો
INS ચેન્નઈ અને તેના કમાન્ડોએ 5 જાન્યુઆરીએ લાઇબેરિયાના ધ્વજ ધરાવતા વેપારી જહાજ MV લીલા નોરફોકને હાઇજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેના 21 સભ્યોના ક્રૂને અરબી સમુદ્રમાં બચાવ્યા હતા.