lakshadweep Trip of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત ભારત અને માલદીવ વચ્ચે તણાવનું કારણ બની હતી. પીએમ મોદીની આ મુલાકાતથી માલદીવ સરકારના કેટલાક મંત્રીઓ નારાજ થયા અને તેઓએ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.  આ પછી માલદીવ સરકારે ત્રણેય મંત્રીઓને બરતરફ કરી દીધા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.  પોતાના વડાપ્રધાન અને દેશના અપમાનથી ભારતીયો નારાજ થયા. એક પછી એક અનેક સેલિબ્રિટીઝ અને કંપનીઓએ માલદીવનો બહિષ્કાર કર્યો હતો. દેશની કંપનીઓ અને વેપારી સંગઠનો પણ આ લડાઈમાં કૂદી પડ્યા છે અને માલદીવને પોતપોતાની રીતે જવાબ આપી રહ્યા છે.


InsuranceDekho પણ અભિયાનમાં જોડાઇ


સૌ પ્રથમ સોમવારે સવારે EaseMyTrip એ માલદીવ સરકારના વિરોધમાં તમામ ફ્લાઇટ બુકિંગ રદ કરી હતી.  સાંજ સુધીમાં અન્ય ટ્રાવેલ ટેક સ્ટાર્ટઅપ InsuranceDekho પણ આ અભિયાનમાં જોડાઈ ગયું. કંપનીએ માલદીવ જનારા લોકો માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે. કંપનીના સહ-સ્થાપક અને CTO ઈશ બબ્બરે LinkedIn પર જાહેરાત કરી હતી કે InsuranceDekho તેના દેશ સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે. અમે માલદીવ માટે કોઈપણ પ્રકારનો વીમો આપીશું નહીં.


ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે માલદીવ માટે ટૂર પ્રમોટ ન કરવાની અપીલ કરી


અગાઉ, ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે ટુરિઝમ ટ્રેડ એસોસિયેશનોને માલદીવ ટૂર પ્રમોટ ન કરવાની અપીલ કરી હતી. ચેમ્બરે માલદીવ જતી તમામ એરલાઈન્સને તેમની કામગીરી સ્થગિત કરવા અને UDAN યોજના હેઠળ લક્ષદ્વીપની ફ્લાઈટ્સ શરૂ કરવા હાકલ કરી હતી.


Ease My Tripએ માલદીવની તમામ ફ્લાઈટ્સનું બુકિંગ રદ કરી


Ease My Trip ના CEO નિશાંત પિટ્ટીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે અમે રાષ્ટ્ર સાથે છીએ. તેથી કંપની માલદીવની તમામ ફ્લાઈટ્સનું બુકિંગ સસ્પેન્ડ કરી રહી છે. ઓનલાઈન ટ્રાવેલ કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીની પણ નિંદા કરી હતી. આ સિવાય અડેલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ રાધિકા ગુપ્તાએ X પર લખ્યું હતું કે મને હંમેશા આશ્ચર્ય થાય છે કે જ્યારે અમારી પાસે લક્ષદ્વીપ અને અંદમાન છે ત્યારે માલદીવ જવા માટે આટલા પૈસા કેમ ચૂકવવા પડે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ પણ X પર પોસ્ટ કર્યું કે આપણા દેશમાં અકલ્પનીય સંભાવનાઓ સાથે ઘણા અદ્ભુત પ્રવાસન સ્થળો છે.