સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારો પર થઈ રહેલી ચર્ચા વખતે ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું હતું. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે, અગાઉ પણ આ મંચનો ખોટો ઉપયોગ થયો છે અને આ હંમેશાં પાકિસ્તાનને કર્યો છે.
પાકિસ્તાને માનવાધિકારો પર ચાલી રહેલી ચર્ચા વખતે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર જવાબ આપતા ભારતે કહ્યું કે, પાકિસ્તાન એવો દેશ છે જ્યાં આતંકવાદની નીતિનું પાલન કરવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને સંરક્ષણ અને આશ્રય આપવામાં આવે છે. આમાં તેનો પણ સમાવેશ થાય છે જેમને ખુદ સંયુક્ત રાષ્ટ્રે આતંકી જાહેર કર્યો છે. ભારત તરફથી સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે પાકિસ્તાન માનવાધિકારોનું સમર્થન કરવાનું નાટક કરે છે.
અકબરૂદ્દીને કહ્યું કે, પાકિસ્તાન એજ દેશ છે જેના માનવાધિકારોના મામલે ખરાબ રેકોર્ડ રહ્યો છે. જેના લીધે તે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પરિષદની સભ્યતા મેળવી શક્યું નથી. પાકિસ્તાન આજે અથવા પહેલા પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે. તેના પર ફોરમ અથવા સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ પણ ચર્ચા કરવાનો કોઈ મતલબ કે અર્થ નથી.
અકબરૂદ્દીને કહ્યું કે, ભારત પુરી રીતે સહિષ્ણુ દેશ છે. ભારત કાયદો, લોકતંત્ર અને માનવાધિકારોને લઈને પ્રતિબદ્ધ છે. માનવાધિકારોની રક્ષા કરવી અમારા સિદ્ધાંતોમાં રહ્યું છે અને અમે તેના માટે પુરો સહયોગ કરીશું.