નવી દિલ્હી: મહિલાઓ માટે ભારત સૌથી વધુ અસુરક્ષિત દેશોની યાદીમાં દુનિયામાં ટોપ પર છે. ગ્લોબલ એક્સપર્ટ્સના એક પોલમાં આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં ભારતને શરમાવે તેવા આંકડા સામે આવ્યા છે. સર્વે પ્રમાણે અહીં મહિલાઓ વિરુદ્ધ શારીરિક શોષણ જેવા અપરાધ અને મહિલાને બળજબરીથી કામો કરાવવાના કારણે ભારતની આ સ્થિતિ છે.
થૉમસન રૉયટર્સ ફાઉન્ડેશનના સર્વે પ્રમાણે ભારત બાદ અફઘાનિસ્તાન અને સીરિયા જેવા દેશોનું નામ છે. સોમાલિયા અને સાઉદી અરબ મહિલાઓ માટે અસુરક્ષિત દેશો મામલે ચોથા અને પાંચમાં ક્રમાંક છે. ચોંકાવનારી વાત આ પણ છે કે આ યાદીમાં અમેરિકા ત્રીજા નંબર પર છે. મહિલાઓ સાથે યૌન હિંસા કે તેને સેક્સ માટે મજબૂર કરવાના મામલે અમેરિકા સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે. સર્વેમાં 550 એક્સપોર્ટ્સ શામેલ હતા.
અગાઉ વર્ષ 2011માં કરવામાં આવેલા સર્વેમાં અફઘાનિસ્તાન, કોન્ગો, પાકિસ્તાન, ભારત અને સોમાલિયા જેવા દેશોને મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશની યાદીમાં હતા. જેમાં ભારત ચોથા નંબરે હતું. સર્વે બાદ એક્સપર્ટ્સનું કહેવું છે કે ભારત દ્વારા મહિલા સુરક્ષા માટે પર્યાપ્ત પગલા લેવામાં આવ્યા નથી. વર્ષ 2012માં નિર્ભયા ગેંગરેપ ઘટના બાદ રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પ્રદર્શન થયો હોવા છતા સ્થિતિ હજુ સુધરી નથી.
એક્સપર્ટ્સ અનુસાર ભારતને માનવ તસ્કરી, ઘરેલું હિંસા, શારીરિક શોષણ, ભ્રૂણ હત્યા, બળજબરી લગ્ન વગેરે મામલે સૌથી ખરાબ દેશ ગણાવ્યો છે. આ સર્વેના પરિણામ પર મહિલા બાળ વિકાસ મંત્રાલયે કોઈ પણ નિવેદન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.