Relief On Wheat Export Ban: ભારત સરકાર ઘઉંની નિકાસ પર મુકેલા પ્રતિબંધમાં રાહત આપવા માટે વિચાર કરી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે હાલ કેન્દ્ર સરકાર અંદાજે 12 લાખ ટન ઘઉંની નિકાસ કરવા માટે મંજુરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત 14 મેના રોજ અચાનક ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ વિવિધ બંદરો પર રહેલા ઘઉંનો મોટા પ્રમાણમાં જથ્થો અટકી પડ્યો હતો. આ એ કાર્ગોનો જથ્થો હતો જેને નિકાસ કરવા માટે પોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આ સાથે કેટલોક જથ્થો ટ્રકોમાં હતો જે રોડ માર્ગે પોર્ટ સુધી આવી રહ્યો હતો.


સરકારને ઘઉં ખરાબ થવાનો ડરઃ
સરકારના આ પ્રતિબંધ બાદ પણ કુલ 4.69 લાખ ટન ઘઉંના જથ્થાને નિકાસ કરવા માટે મંજુરી અપાઈ હતી. આમ છતાં બંદરો પર 17 લાખ ટન ઘઉંનો જથ્થો અટકેલો છે. ચોમાસાની ઋતુનું આગમન થવાની તૈયારી છે એ સ્થિતિમાં પોર્ટ્સ પર બહાર પડેલા ઘઉં ખરાબ થવાની શક્યતા છે. જેના કારણે સરકાર 12 લાખ ટન ઘઉંની નિકાસ કરવાની મંજુરી આપી શકે છે. જે વેપારીઓ પાસે ઘઉંની નિકાસ માટે લેટર ઓફ ક્રેડિટ છે તેમને નિકાસ કરરવા માટે પરવાનગી અપાઈ શકે છે. જો સરકાર ઘઉંના નિકાસને મંજુરી આપે તો બાંગ્લાદેશ, નેપાળ, ઈંડોનેશિયા, ફિલિપીન્સ અને શ્રીલંકા સહિતના ઘણા દેશોમાં ઘઉં મોકલવામાં આવશે.


ઘઉંનો જથ્થો પોર્ટ પર અટવાયોઃ
13 મે 2022ના રોજ સ્થાનિક બજારમાં ઘઉંના ભાવમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતાં સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકાર દ્વારા લેવામાં આવેલા આ અચાનક નિર્ણય બાદ કંડલા બંદરેથી અન્ય બંદરે મોટી સંખ્યામાં નિકાસ માટે જતો ઘઉંનો જથ્થો અટકી ગયો હતો. ઘઉં ભરેલી હજારો ટ્રકો બંદર પર ઉભી હતી. આ સ્થિતિમાં સરકારે તેના નિર્ણયમાં છૂટછાટ આપી હતી અને નિર્ણય કર્યો હતો કે જ્યાં પણ ઘઉંનું કન્સાઈનમેન્ટ કસ્ટમ વિભાગને તપાસ માટે સોંપવામાં આવ્યું છે અને તેમની સિસ્ટમમાં 13.5.ના રોજ અથવા તે પહેલાં નોંધાયેલ છે તે માલની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.