નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ત્રણ સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે ભારતીય રેલવેએ પોતાની તમામ ટ્રેનોનું સંચાલન 14 એપ્રિલ સુધી રોકવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે મુસાફર ટ્રેનો, ઉપનગરીય ટ્રેનો અને કોલકત્તાની મેટ્રો ટ્રેન રદ કરવાના સમયગાળાને વધારીને 14 એપ્રિલ 2020 સુધી વધારવાનો નિર્ણય લીધો છે. જોકે, માલગાડીનું સંચાલન ચાલું રહેશે.
આ અગાઉ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રવિવારે નિર્ણય લીધો હતો કે તમામ પેસેન્જર ટ્રેન, મેટ્રો ટ્રેન અને આંતરરાજ્ય બસો 31 માર્ચ સુધી બંધ રહેશે. દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 606 થઇ ગઇ છે.