Finance minister Nirmala Sitharaman : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા અને ઇજિપ્તની મુલાકાતને ભારત માટે સન્માન સમાન ગણાવી હતી. સાથે જ તેમના પોતાના ફાયદા માટે "અનવાજબી મુદ્દાઓ" ઉઠાવવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરી હતી. બીજી તરફ, ભારતમાં મુસ્લિમો સાથેના વ્યવહાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે, પીએમ મોદીની સરકાર 'સબકા સાથ સબકા વિકાસ'ના સિદ્ધાંત પર કામ કરે છે અને કોઈ ચોક્કસ સમુદાય સાથે ભેદભાવ નથી કરતી. તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ સણસણતો જવાબ આપ્યો હતો. 


સીતારમણે બરાક ઓબામાને પણ આપ્યો સણસણતો જવાબ


એક પત્રકાર પરિષદને સંબોધતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નિવેદન પર પણ નિશાન સાધ્યું હતું. આ ઈન્ટરવ્યુમાં ઓબામાએ ભારતીય મુસ્લિમો પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના (ઓબામા) શાસનમાં' 6 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર 26,000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.


તેમણે કહ્યું હતું કે, … હું ખુબ જ સાવધાનીપૂર્વક બોલી રહી છું, આપણે અમેરિકા સાથે સારી મિત્રતા ઈચ્છીએ છીએ. પરંતુ જ્યારે ત્યાંથી ભારતની ધાર્મિક સહિષ્ણુતા પર ટિપ્પણીઓ આવે છે. કદાચ તેમના કારણે જ 6 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા... સીરિયાથી લઈ યમન સુધી 26 હજારથી વધુ બોમ્બ ફેંકાયા... લોકો તેમના (ઓબામાના) આરોપો પર કેવી રીતે વિશ્વાસ કરશે.






ઓબામાએ શું કહ્યું? 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે હતા. અમેરિકામાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ જો બાઈડનથી લઈને દેશના અગ્રણી ઉદ્યોગકારો સાથે પીએમ મોદીની સફળ બેઠકો થઈ રહી હતી. આ દરમિયાન જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી વિવાદ છેડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો ભારતમાં મુસ્લિમ અલ્પસંખ્યકનું ધ્યાન નહીં રાખવામાં આવે તો ભારત તૂટી શકે છે. બરાક ઓબામાએ અપીલ કરી કે રાષ્ટ્રપતિ જો બાઈડેને આ મુદ્દે પીએમ મોદી સાથે વાત કરવી જોઈએ.


સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યુમાં બરાક ઓબામાએ કહ્યું હતું કે, જો હું વડાપ્રધાન મોદી સાથે વાત કરત, જેમને હું સારી રીતે ઓળખું છુ, તો હું તેમને કહીશ કે જો તેઓ ભારતમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ નહીં કરે તો એવી શક્યતા છે કે કેટલાક બિંદુ પર આવીને ભારત તૂટી શકે છે. આટલેથી પણ ન અટકતા ઓબામાએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેને પીએમ મોદી સાથેની મુલાકાતમાં ભારતમાં મુસ્લિમ લઘુમતીઓની સુરક્ષા અંગે વાત કરવી જોઈએ. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે, પોતાના સાથીદારો સાથે માનવાધિકાર વિશે વાત કરવી થોડી મુશ્કેલ છે.


ઓબામાએ આગળ કહ્યું હતું કે, અમે જોયું છે કે જ્યારે આંતરિક સંઘર્ષ વધે છે ત્યારે તે ન તો ભારતના મુસ્લિમોના હિતમાં હોય છે અને ન તો ભારતના હિંદુઓના હિતમાં હોય છે. મને લાગે છે કે, આ બાબતો વિશે પ્રામાણિકપણે વાત કરવી જોઈએ.


https://t.me/abpasmitaofficial