નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાની નેતાઓ સતત બફાટ મારી રહ્યાં છે. જેના પર ભારતે સરકારે ગુરુવારે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આજે પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાની નેતાઓના નિવેદન ભારતના આંતરિક મામલામાં દખલગીરી ના કરે. સાથે તેઓએ પાકિસ્તાની નેતાઓના નિવેદનને ગેરજવાબદાર ગણાવ્યા છે. જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાનના આ વલણની ભારત સરકારે ટીકા કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે કાશ્મીર પર પાકિસ્તાન જૂઠ ફેલાવી રહ્યું છે અને વિશ્વભરના દેશો સમજે છે. પાકિસ્તાનના દાવા જૂઠ પર આધારિત છે. પાકિસ્તાન હિંસા ફેલાવવાના પ્રયાસ કરે છે.

રવીશ કુમારે કહ્યું કે અમને આ વાતની જાણ છે કે પાકિસ્તાન આતંકીઓને ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત કહેતું રહ્યુ છે પાકિસ્તાન પોતાની જમીન પર ઉછરી રહેલા આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. આ તેમની આતંરરાષ્ટ્રીય જવાબદેહીમાં પણ છે.

આ સિવાય કાશ્મીરની સ્થિતિ પર તેમણે કહ્યું કે કાશ્મીરની સ્થિતિ સતત સુધરી રહી છે. તેઓએ કહ્યું એક પણ ઘટના એવી બની નથી કે જેમાં કાશ્મીરના કોઈ હોસ્પિટલમા દવાઓની અછત વર્તાઈ હોય કે કોઈ ડિસ્પોઝલ વસ્તુમાં ઘટાડો આવ્યો હોય.