India-Canada Visa Services:ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ફરી સુધરતા જણાઇ રહ્યાં છે. ભારતે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરી છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. ભારતે છેલ્લા બે મહિનાથી કેનેડિયન નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આવી સ્થિતિમાં, એકવાર વિઝા સેવા પુનઃસ્થાપિત થયા પછી, કેનેડિયન નાગરિકો ભારતની મુસાફરી કરી શકશે.


હકીકતમાં કેનેડાએ સપ્ટેમ્બરમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતીય એજન્ટો પર લગાવ્યો હતો. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ વણસ્યા  હતા. કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે, જૂનમાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુદ્વારાની બહાર કેનેડિયન નાગરિક નિજ્જરની હત્યા ભારતીય એજન્ટો દ્વારા કરવામાં આવી હતી. આ પછી, 21 સપ્ટેમ્બરે ભારતે કેનેડિયન નાગરિકો માટે ઇ-વિઝા સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.






ભારતે આ હત્યામાં કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો હતો


ભારત સરકારે ટ્રુડોના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ભારતે કેનેડાના વડાપ્રધાનના આરોપોને વાહિયાત અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. નવી દિલ્હીએ કહ્યું હતું કે જો કેનેડા ખરેખર માને છે કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તો તેણે તેના દાવાને સાબિત કરવા પુરાવા રજૂ કરવા જોઈએ. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ભારત અને કેનેડા બંનેએ પોતપોતાના દેશોના ઘણા રાજદ્વારીઓને ત્યાંથી જવા માટે પણ કહ્યું હતું.


તમામ વિઝા સેવાઓ શરૂ


સરકારના આ નિર્ણય બાદ કેનેડાના નાગરિકો માટે તમામ પ્રકારની વિઝા સેવાઓ શરૂ થઈ ગઈ છે. આમાં ટુરિસ્ટ વિઝા પણ સામેલ છે. આ ઉપરાંત એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા પણ શરૂ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કેનેડામાં ઘણા ભારતીયો રહે છે, જેમણે હવે કેનેડાની નાગરિકતા લીધી છે. આવી સ્થિતિમાં, જો તેમની પાસે OCI કાર્ડ નથી, તો તેમણે વિઝા લઈને જ ભારત આવવું પડશે. આ સિવાય ઘણા કેનેડિયન નાગરિકો પણ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવે છે.


પીએમ મોદીની ટ્રુડો સાથેની વર્ચ્યુઅલ મીટિંગ પહેલા સેવાઓ શરૂ થઈ


હકીકતમાં, ભારત દ્વારા વિઝા સેવા એવા સમયે શરૂ કરવામાં આવી છે જ્યારે G20 નેતાઓની વર્ચ્યુઅલ બેઠક મંગળવારે જ યોજાઈ રહી છે. કેનેડાના વડાપ્રધાન ટ્રુડો સહિત જી-20 દેશોના નેતાઓ તેમાં ભાગ લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી20 વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આફ્રિકન યુનિયનના પ્રમુખ સહિત તમામ G20 સભ્યોના નેતાઓ તેમજ નવ અતિથિ દેશોના વડાઓ અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં ચીનના વડાપ્રધાન લી કિઆંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણા નેતાઓ ભાગ લેવાના છે.