નવી દિલ્હી: દેશની ત્રીજી ખાનગી ટ્રેન ઈન્દોર અને વારાણસી વચ્ચે શરૂ થવા જઈ રહી છે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમારે શનિવારે કહ્યું કે, ભારતીય રેલવે ત્રીજી ખાનગી ટ્રેલન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેનના ડબ્બા રાત્રે મુસાફરી કરતી ટ્રેન હમસફર એક્સપ્રેસ જેવા હશે. આ પહેલા ભારતીય રેલવેએ બે માર્ગ પર ખાનગી ટ્રેનનું સંચાલન શરૂ કરી દીધું છે. જેમાં દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ છે.


અધિકારીઓએ જણાવ્યું કે આ રેલવે એક અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે. બે દિવસ લખનઉ થઈને જશે અને એક દિવસ અલ્લાહબાદ થઈને જશે. આઈઆરસીટીસી દ્વારા સંચાલિત આ પ્રકારની પ્રથમ ટ્રેન હશે જેમાં ચેર કાર નહીં હોય પણ સ્લીપર કોચ હશે.

આ ટ્રેન 20 ફેબ્રુઆરીની આસપાસ શરૂ થવાની સંભાવના છે. રેલવે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે આ 150 ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે તેવી યોજના છે. હાલમાં તેની પદ્ધતિ પર કામ થઈ રહ્યું છે, ત્યાં સુધી તેનું સંચાલન આઈઆરસીટીસી કરશે. આઈઆરસીટીસી આ પહેલા લખનઉથી દિલ્હી વચ્ચે પ્રથમ પ્રાઈવેટ તેજસનું સંચાલન શરૂ કરી ચુકી છે.

ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં રેલવે સાથે જોડાયેલી કેટલીક મોટી જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારે 27 હજાર કિલોમીટર લાંબા રેલવે ટ્રેકને ઇલેક્ટ્રિશિયનનું લક્ષ્ય રાખ્યું છે. સાથે તેજસ ટ્રેનની સંખ્યા વધારવામાં આવશે. આ હવે કેટલાક નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન સુધી જશે. મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામમાં ઝડપ આવશે. પીપીપી મોડલ હેઠળ 150 પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં આવશે. તે સિવાય બેંગલુરુમાં 148 કિલોમીટર સબ અર્બન ટ્રેન સિસ્ટમ બનશે. કેન્દ્ર સરકાર 25 ટકા પૈસા આપશે. જેના પર 18 હજાર 600 કરોડ રૂપિયા ખર્ચ કરાશે.