શિલોંગઃ મેઘાલય હાઇકોર્ટે પીઆરસી (પરમેન્ટ રેસિડેન્ટ સર્ટિફિકેટ)ને લઇને એક મામલામાં સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી છે. જસ્ટિસ એસઆર સેને કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગું છું કે કોઇને પણ ભારતને બીજો ઇસ્લામિક દેશ બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. તેમણે કહ્યું કે, જો એમ થાય છે તો ભારત અને દુનિયા માટે સૌથી ખરાબ દિવસ હશે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદીની સરકાર આ બાબતને સમજશે.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી કોઇને રાજ્યમાં રહેવાની ઇચ્છા છે ત્યાં સુધી તેને પીઆરસી માટે અરજી કરવાનો હક છે. વાસ્તવમાં જસ્ટિસ એસઆર સેને આ આદેશ અમોન રાણાની અરજી પર આપ્યો હતો. નોંધનીય છે કે અમોન રાણાને પીઆરસી આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.
જસ્ટિસ સેનના મતે જ્યાં સુધી કોઇને રાજ્યમાં રહેવાનું મન છે ત્યાં સુધી તેને પીઆરસી માટે અરજી કરવાનો હક છે. તેમણે કહ્યું કે, હિંદુ, શીખ, જૈન, બુદ્ધ, ઇસાઇ, પારસી, ખાસી, ગારો જે ભારત આવી ચૂક્યા છે અને જેમને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશથી ભારત આવવું છે. સાથે ભારતીય મૂળના લોકો જે બહાર વસી રહ્યા છે તેમના હિત માટે કાયદો લાવવા માટે કેન્દ્ર સરકારે જરૂરી પગલા ભરવા જોઇએ. કોર્ટે આશા વ્યક્ત કરી હતી કે સરકાર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આ આદેશનું ધ્યાન રાખશે અને આ દેશ અને અહીંના લોકોની રક્ષા કરશે.
મેઘાલય હાઇકોર્ટના જસ્ટિસ એસઆર સેનએ કહ્યું કે, મારી નજરમાં એનઆરસીની પ્રક્રિયામાં ગરબડ છે. કારણ કે મોટાભાગના વિદેશી ભારતીયો બની ગયા છે અને મૂળ ભારતીયોને તેનાથી બહાર કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને પોતાને ઇસ્લામિક દેશ જાહેર કર્યો અને ત્યારે ભારત કે જે ધર્મના આધાર પર વિભાજીત થયો હતો તેણે હિંદુ રાષ્ટ્ર જાહેર કરવો જોઇતો હતો પરંતુ તે સેક્યુલર દેશ રહ્યો. તેમણે કહ્યું કે, આ કોર્ટને આશા છે કે ભારત સરકાર, હિંદુ, શીખ, જૈન, બુદ્ધ, પારસી અને ખ્રિસ્તી જે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવ્યા છે તેમને લઇને યોગ્ય નિર્ણય લેશે.