પણજીઃ બ્રિક્સ સંમેલન અગાઉ આજનો દિવસ ભારત માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. બંન્ને દેશો વચ્ચે આતંકવાદ, ડિફેન્સ, એનર્જી ક્ષેત્રો સહિત 16 કરાર થયા હતા. ભારત અને રશિયા વચ્ચે લગભગ 40 હજાર કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ થઇ છે. આ મુલાકાત પર આખી દુનિયાની નજર છે. તેની સાથે એવું માનવામાં આવી રહ્યુ હતું કે બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે કરાર થશે.


ભારત અને રશિયા વચ્ચે એસ-400 મિસાઇલ સિસ્ટમ પર કરાર થયા હતા. આ સાથે 200 કામોવ હેલિકોપ્ટર ખરીદવા પર પણ વાત થઇ હતી. તેની સાથે પરમાણુ ઉર્જા, ગેસ પાઇપલાઇન, સ્માર્ટ સિટી અને જહાજ નિર્માણ જેવા મહત્વના 16 કરારો થયા હતા. આ પ્રસંગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં  રશિયન ભાષામાં પોતાના ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યુ હતું કે બંન્ને દેશો વધુ નજીક આવ્યા છે. તેમણે કહ્યુ કે એક જૂનો મિત્ર બે નવા મિત્રો કરતા સારો હોય છે.

આ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું  કે ભારત અને રશિયા પરસ્પર સહયોગથી નવા યુગમાં લઇ જવા માટે સહમત થયા છે. સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું તો રશિયા ભારતને મેક ઇન ઇન્ડિયામાં મદદ કરવા પર સહમત થયું છે.