ભારતીય વૈજ્ઞાનિકોએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે અને દેશનું નામ રોશન કર્યું છે. હકિકતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ બુધવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને અન્ય સંરક્ષણ અધિકારીઓ મિસાઈલ પરીક્ષણના સમયે હાજર રહ્યા હતા. સંરક્ષણ અધિકારીએ માહિતી આપી હતી કે મિસાઈલે તેના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું.
એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સપાટીથી સપાટી પરની સુપરસોનિક ક્રુઝ મિસાઈલના સફળ પરીક્ષણ પર અભિનંદન પાઠવ્યા હતા. તેઓ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા આંદામાન અને નિકોબારના ટાપુ પ્રદેશમાં છે. મિસાઈલે તેના લક્ષ્યને સચોટ રીતે માર્યું હતું.
નોંધનિય છે કે, આ પહેલા, 8 ડિસેમ્બર 2021ના રોજ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એર વર્ઝનનું વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30MK-1માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરીને દુશ્મનના ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા. સુખોઈ-30 એમકે-1 ફાઈટર જેટમાં ફીટ કરાયેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે.
તો બીજી તરફ ભારતીય વાયુસેના માટે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનું અપગ્રેડેડ એર લોન્ચ વર્ઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની રેન્જ 800 કિમી હશે. એટલે કે આપણા ફાઈટર પ્લેન હવામાં રહીને દુશ્મનના ઠેકાણાને આટલી દૂરથી જ ધ્વસ્ત કરી દેશે. ભારત હવે સતત ટેકનિકલ મિસાઇલોની શ્રેણીમાં વધારો કરી રહ્યું છે. માત્ર એક સોફ્ટવેર અપગ્રેડ કરવાથી મિસાઈલની રેન્જ 500 કિમી વધી જાય છે. ભારતીય વાયુસેનાના 40 સુખોઈ-30 MKI ફાઈટર જેટ પર બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ તૈનાત કરવામાં આવી છે. આ મિસાઇલો અત્યંત સચોટ અને શક્તિશાળી છે અને દુશ્મનના છાવણીઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે.