નવી દિલ્હી: કટ્ટર દુશ્મન દેશ અમેરિકા અને ઈરાનનું ‘મિલન’ભારતના વિશાખાપટ્ટનમમાં થવા જઈ રહ્યું છે. વાસ્તવમાં ભારત દ્વારા આયોજીત મલ્ટીનેશનલ એક્સરસાઈઝ, ‘મિલન 2020’ જેમાં અમેરિકા અને ઈરાન સહિત 41 દેશોની નૌસેનાઓ ભાગ લઈ રહી છે. હાલમાં મિડલ ઈસ્ટમાં થયેલા તણાવ બાદ પહેલીવાર બન્ને દેશોની નૌસેના એક સાથે યુદ્ધાભ્યાસ કરશે.


ભારતીય નૌસેનાએ શનિવારે મિલન એક્સરસાઈઝનો થીમ વીડિયો જાહેર કર્યો હતો. વીડિયામાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે મિત્ર દેશોની નૌસેનાઓ સમુદ્રમાં સહયોગ અને તાલમેલ કરે છે. માર્ચ મહિનામાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં થવા જઈ રહેલા મિલન એક્સરસાઈઝની થીમ ‘સિનર્જી અક્રોસ ધ સીઝ.’

ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતથી જ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ એર સ્ટ્રાઈકમાં ઈરાનના ટોપ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા કરી નાખી હતી. તેના બાદ ઈરાને પણ જવાબી કાર્યવાહી કરી અમેરિકાના બે મિલિટ્રી બેઝ પર મિસાઈલ હુમલો કર્યો હતો.

નૌસેના પ્રવક્તા, કમાન્ડર વિવેક મધવાલે જણાવ્યું કે, મિલન 2020 એક્સરસાઈઝ મિત્ર દેશોની નૌસેનાઓના ઑપરેશન્લ કમાન્ડર્સને એક સાથે એકબીજાના હિતો પર ચર્ચા કરવાની તક આપશે. આ યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય પ્રોફેશનલ ઈન્ટરેક્શન છે અને ભાગ લેનારી નૌસેના એકબીજાની તાકાતથી વાકેફ થશે.