નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય આર્મી એક્શન મૉડમાં આવી ગઇ છે. ભારતીય આર્મીના જવાનો હવે ફિંગર 4 પર જઇને બેસી ગયા છે, જ્યાં ચીની સૈનિકો સાથે આઇ-બૉલ-ટૂ-આઇ-બૉલ છે, એટલે કે એકદમ આમને સામને છે. થોડાક દિવસો પહેલા ભારતીય સેનાએ કહ્યું હતુ કે પેન્ગોંગ-ત્સો લેકના ઉત્તરમાં સૈનિકોની તૈનાતીને રિ-એડજસ્ટમેન્ટ કરવામાં આવી છે. સુત્રો અનુસાર ભારતીય સેનાએ પેન્ગોંગ-ત્સો લેકના દક્ષિણમાં જે ચોટીઓ (ગુરંગ હિલ, મગર હિલ, મુખપરી, રેચિન લા) પર પોતાનો અધિકાર જમાવી લીધો છે, ત્યાં ત્યાં પોતાના કેમ્પોની નજીક કાંટાળા તાર લગાવી દીધા છે.


સાથી જ ચીની સેનાને સ્પષ્ટ કરી દીધુ છે કે જો કોઇપણ ચીની સૈનિક આ કાંટાળા તારોને પાર કરવા કે હટાવવાની કોશિશ કરશે તો તેનો એક પ્રૉફેશનલ આર્મીની જેમ જવાબ આપવામાં આવશે.

એક અનુમાન પ્રમાણે, ચીનના લગભગ 50 હજાર સૈનિક પૂર્વીય લદ્દાખ નજીકની એલએસી પર તૈનાત છે. ભારતે પણ મિરર-ડિપ્લૉયમેન્ટ કર્યુ છે. એટલે કે ચીનની બરાબરીમાં 50 હજાર સૈનિક તૈનાત કરી દીધા છે. કેમકે બ્રિગેડિયર સ્તરની મીટિંગમાં કંઇક પણ સૉલ્યૂશન નથી આવ્યુ એટલે આવનારા દિવસોમાં કૉર કમાન્ડર લેવલની બેઠક થઇ શકે છે.

આ ઉપરાંત લેહમાં ભારતીય વાયુસેના નાઇટ કૉમ્બેટ એર પેટ્રૉલિંગ કરી રહી છે, એેટલે કે દિવસની સાથે સાથે રાત્રે પણ વાયુસેનાના ફાઇટર જેટ્સ હવાઇ નજર રાખી રહ્યાં છે.