મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના ઘર પર પણ બીએમસી કાર્યવાહી કરી શકે છે. બીએમસીએ કંગનાના ખાર વિસ્તારમાં આવેલા ફ્લેટને તોડવાની મંજૂરી માંગી છે. વાસ્તવમાં બે વર્ષ અગાઉ મુંબઇ મહાનગરપાલિકાએ કંગનાને નોટિસ જાહેર કરી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, ઘરમા ખોટી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં નિયમોનો ભંગ કરાયો છે. તે સમયે કંગના સીટી સિવિલ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઇ આવી હતી. હવે બીએમસીએ કેવિએટ ફાઇલ કરી છે.

બીએમસીએ કહ્યું છે કે સ્ટે ઓર્ડરને રદ કરવામાં આવે અને અમને તોડવાની મંજૂરી આપવામાં આવે. ખાર વિસ્તારમાં કંગના રનૌતનું ઘર ડીબી બ્રિજ નામની બિલ્ડિંગમાં પાંચમા માળ પર છે. જેમાં આઠ જગ્યાએ ફેરફાર કરવામાં આવ્યા છે. બાલ્કનીમાં ખોટી રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. કિચન એરિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બીએમસીએ કંગનાની મુંબઇ સ્થિત ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સ ઓફિસમાં ગેરકાયદેસર નિર્માણને તોડી પાડ્યું હતું. જોકે, કંગનાની અરજી પર બોમ્બે હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી હતી. હાઇકોર્ટે આ મામલે બીએમસી માટે જવાબ માંગ્યો છે.